ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના લેબર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનાર વિડિયો જાહેર કર્યો છે, જેમાં H-1B વિઝાના દુરુપયોગ માટે 
ભારતને સીધું ચિહ્નિત  કરવામાં આવ્યું છે. વિડિયોમાં દર્શાવાયું છે કે 72% H-1B વિઝા ભારતીય કામદારોને મળે છે, જેના કારણે અમેરિકન યુવાનોની નોકરીઓ છીનવાઈ રહી છે. 1950ના દાયકાના સુખી અમેરિકન જીવનના દ્રશ્યોને આજના બેરોજગારીના આંકડા સાથે જોડીને વિડિયોમાં કહેવાયું: 
"વિદેશી કામદારોને કારણે અમેરિકન ડ્રીમ ખતમ થઈ રહ્યું છે." લેબર સેક્રેટરી લોરી ચાવેઝ-ડેરેમરે જાહેર કર્યું કે ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ હેઠળ કંપનીઓ પર કડક ઓડિટ, દંડ અને વિઝા ફી વધારો થશે. આની સીધી અસર ભારતીય આઈટી ક્ષેત્ર પર પડશે. લાખો ભારતીયોના વર્ક પરમિટ રિન્યુઅલમાં અડચણ આવશે, અને $200 અબજના સોફ્ટવેર નિકાસને જોખમ ઊભું થશે. X પર વિડિયો વાયરલ થતાં #H1BAbuse ટ્રેન્ડ થયું, જ્યાં કેટલાકે તેને ‘રેસિયલ ટાર્ગેટિંગ’ ગણાવ્યું. ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ હવે H-1B કેપ ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સરકારે દ્વિપક્ષીય વાટાઘાટોની તૈયારી દર્શાવી છે. H-1B હવે માત્ર વિઝા નથી, રાષ્ટ્રીય હિતનો પ્રશ્ન બની ગયો છે.