- Friday World September 18,2026
અમદાવાદ: ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદે અમદાવાદને ઘમરોળી નાખ્યું છે. આજે વહેલી સવાર સુધી અવિરત વરસેલા વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જાણે રસ્તાઓ નહીં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સવારના સમયે નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલે જતા નાના ભૂલકાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો. ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સવારે માત્ર બે કલાકમાં એટલે કે 6 થી 8 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અંડરપાસ બંધ, બેરેજના દરવાજા ખોલાયા
ભારે વરસાદને કારણે તંત્રએ સાવચેતીના ભાગરૂપે શહેરના 5 મહત્વના અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં પરિમલ અંડરપાસ, અખબારનગર અંડરપાસ, મીઠાખળી અને મકરબા અંડરપાસનો સમાવેશ થાય છે. જોકે વરસાદ ધીમો પડતાં અને પાણી ઓસરતાં શાહીબાગ અંડરપાસને ફરી શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. હાલ સાબરમતીની સપાટી 136.25 ફૂટ પર જાળવી રાખવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ
આ વખતે મેઘરાજાએ સૌથી વધુ મહેરબાની ઉત્તર-પશ્ચિમ ઝોન પર વરસાવી છે. આ ઝોનમાં સરેરાશ 32.14 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઓગણજમાં 1.79 ઈંચ અને ગોતામાં 1.65 ઈંચ ખાબક્યો હતો. જ્યારે ચાંદલોડિયામાં 1.34 ઈંચ, સાયન્સ સિટીમાં 1.28 ઈંચ, બોપલમાં 1.14 ઈંચ અને થલતેજમાં 1.10 ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમ ઝોનમાં 8.71 મીમી વરસાદ નોંધાયો હતો.
શહેરના બોપલ, શીલજ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, શેલા, ઘુમા, જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમ રોડ, જોધપુર, વસ્ત્રાપુર, સરખેજ, મકરબા, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે કડાકા-ભડાકા જોવા મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 22.91 મીમી વરસાદ પડ્યો છે. જેમાં પૂર્વ ઝોનના વિરાટનગરમાં સૌથી વધુ 2.44 ઈંચ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ આ સિઝનનો કુલ વરસાદ 32.24 ઈંચ પર પહોંચી ગયો છે, જે છેલ્લા 5 વર્ષના સરેરાશ વરસાદના 89.56% જેટલો છે.
જનજીવન અસ્તવ્યસ્ત
ઠેર ઠેર પાણી ભરાતા અનેક કંપનીઓની બસો રસ્તામાં જ બંધ પડી ગઈ હતી, જેના કારણે કર્મચારીઓ કંપનીએ પહોંચે તે પહેલા જ તરબોળ થઈ ગયા હતા. તો બીજી તરફ સ્કૂલે જતા બાળકો પણ ક્લાસરૂમમાં પહોંચે તે પહેલા જ પલળી ગયા હતા, જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ઘૂસી જતા લોકોના ઘરવખરીમાં નુકસાન થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Sajjadali Nayani ✍
Friday World September 18,2026
#AhmedabadRain #GujaratMonsoon #AhmedabadWaterlogging #HeavyRainfall #Monsoon2026 #AhmedabadNews #RainAlert #VasnaBarrage #UnderpassClosed #GujaratWeather