રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા અકસ્માતને કારણે ટ્રાફિકના નિયમો કડક બનાવાયા છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા પર મસમોટો દંડ વસૂલવામાં આવે છે. પરંતુ દંડની રકમ ભરવી ન પડે તે માટે અહીં પણ છટકીબારીઓ તો શોધી જ કાઢવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તો આને પોતાનો ધંધો બનાવી દીધો છે તે કહેવામાં કોઇ નવાઇ નહી. કારણ કે જો તમારે દંડની રકમથી બચવું હશે તો તમારે દંડ નહી પરંતુ હપ્તો આપવો પડશે. એટલે ટ્રાફિક પોલીસ તમારી ગા઼ડી ક્યાંય નહી રોકે.. જી હા આવો એક વીડિયો વાયરલ થયો છે જેને ટ્રાફિક પોલીસનો સાચો ચહેરો ઉઘાડો પાડ્યો છે.
સુરત શહેરમાં મેહુલ બોઘરા અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ કરતા નજરે પડી ચૂક્યા છે, જેનું તેઓ સોશિયલ મીડિયા પર લાઇવ કરતા હોય છે. તેવામાં હવે આ સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે આ એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બની હતી. ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને તેમના મળતીયાઓ દ્વારા ઉઘરાણીનો મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં પોલીસ વાહનોના દંડ ઉઘરાવતી હતી. લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એડવોકેટ પર રીક્ષામાં રાખેલી લાકડી વડે ઉપરાછપરી અનેક વખત માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.