25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પોતાના સમર્થકો સાથે આજે કેસરિયો ધારણ કરી લીધો છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે તેઓનું પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારે આ પ્રસંગે મહેન્દ્રસિંહ બારૈયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'આજે શ્રાવણ માસના શુભ દિને હું ભાજપમાં જોડાયો છું. દેશના વિકાસની રાજનીતિ માટે હું ભાજપમાં જોડાયો છું. ગુજરાતનો વિકાસ થયો છે, તે માટે ભાજપમાં જોડાયો છું. કોંગેસના MLA ચૂંટાયા છતાં વિકાસની રાજનીતિના કારણે ક્યારેય તકલીફ નથી પડી. વિકાસના કામો અંગે સરકારે ક્યારેય ના નથી પાડી.'
જણાવી દઇએ કે, ભારે અટકળો બાદ સાબરકાંઠામાં પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયાએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ગઇકાલે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અંતે તેઓ આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે.