ગુજરાત માં વિધાનસભા ચૂંટણી પહેલા સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એકબાક એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી રહ્યાં છે. તો બીજી બાજુ જાણે કે ભાજપમાં ભરતીમેળો જામ્યો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસમાં એકવાર ફરી ગાબડું પડ્યું છે.
જણાવી દઇએ કે, ભારે અટકળો બાદ સાબરકાંઠામાં પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયા આજે કેસરિયો ધારણ કરશે. કોંગી નેતા મહેન્દ્રસિંહ બારૈયાએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.
તેઓએ ગઇકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેઓના રાજીનામા પાછળનું મૂળ કારણ આંતરિક વિખવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેઓ આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.
જો કે તમને જણાવી દઇએ કે, મહેન્દ્રસિંહ બારૈયાએ પહેલેથી જ તેઓ રાજીનામું આપશે અને ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશેનો સંકેત આપી દીધો હતો. જેના ભાગરૂપે આજે ગઇકાલે પ્રાંતિજમાં ધાર્મિક કાર્યક્રમ યોજવા દરમિયાન સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી તેઓએ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર આગેવાન કહેવાતા એવા મહેન્દ્રસિંહ બારૈયાની રાજીનામાની અટકળો વચ્ચે આખરે તેઓએ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે. આથી આજ રોજ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.
પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ રાજકારણમાં 1998થી શરૂઆત કરી હતી કે જ્યાં તેઓ પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી બન્યા હતા. એ દરમિયાન 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્ય એજન્ટ રહ્યાં. તો બીજી બાજુ 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું પણ પદ સંભાળ્યું હતું. એ સિવાય તેઓ પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007 અને 2010માં બે વાર ડિરેક્ટરના પદે પણ રહ્યાં હતા. બાદમાં તેઓને 2009માં લોકસભામાં પ્રાંતિજ-તલોદ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય ઇન્ચાર્જની જવાબદારી પણ પક્ષ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ તેઓએ કામગીરી કરી હતી.
ત્યાર બાદ 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજયી થયા હતા. આ સાથે તાલુકા પંચાયતની પાંચેય બેઠકો પણ તેઓએ વિજયી બનાવી હતી. બાદમાં 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પણ રહ્યાં હતા. 1985 બાદ ભાજપની આ બેઠક હતી તો આ બેઠક પર સીટીંગ ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને 7051 મતે હરાવીને કોંગ્રેસને બેઠક અપાવી હતી. ત્યાર બાદ 2017માં ફરીથી મહેંદ્ર સિંહ પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર રહ્યાં હતા કે જ્યાં 2551 મતથી તેઓની હાર થઇ હતી.