હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે અને આવે સમયે બે ગાઢ મિત્રો અને તેમના પુત્રની જોડીની તસવીર વાયરલ થઈ છે.
80ના દાયકામાં દેશની રાજનીતિમાં બે યુવા નેતા રાજીવ ગાંધી અને રાજેશ પાયલટની જોડી ખૂબ લોકપ્રિય બની હતી અને આ બન્ને નેતા લોકોના ખૂબ લાડલા પણ હતા. કહેવાય છે કે રાજેશ પાયલટે રાજીવ ગાંધીના આગ્રહ પર જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પ્રથમ ચૂંટણી ભરતપુરથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી, તેઓ સતત પાંચ વખત દૌસાથી સાંસદ તરીકે ચૂંટાયા. દૌસામાં એક માર્ગ અકસ્માતમાં રાજેશ પાયલટનું મોત થયું હતું. જે બાદ તેમની પત્ની રમા પાયલટ અને સચિન પાયલટ દૌસા લોકસભા સીટથી સાંસદ બન્યા હતા.
હવે રાહુલ ગાંધી અને સચિન પાયલટની જોડી પિતાના રુપમાં જોવા મળી
હવે રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને રાજેશ પાયલટના પુત્ર સચિન પાયલટની જોડી પિતાની જોડી જેવી જોવા મળી છે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાહુલ સચિનનો ફોટો બુધવારનો છે. સચિન પાયલટ ગઈ કાલે કેરળ પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી સાથે પગપાળા 'ભારત જોડો યાત્રા' પર નીકળ્યા હતા.
રાહુલ ગાઢ મિત્ર સચિનને રાજસ્થાનના સીએમની ભેટ આપી શકે
રાહુલ ગાંધી અને સચિન પાયલટ ઘણા રાજકીય મોરચે સાથે જોવા મળ્યાં છે. રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવાના સંકેત આપ્યા બાદ આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક તરફ પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને રાજેશ પાયલટ છે તો બીજી તરફ રાહુલ ગાંધી અને સચિન પાયલટ છે.
પિતાની જોડી અને પુત્રની જોડીની તસવીર ખૂબ થઈ વાયરલ
આ ફોટો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં જોવા મળે છે કે રાજેશ પાયલટ રાજીવ ગાંધીની જમણી બાજુની સાઈટ પર દોડી રહ્યા છે. તે જ સમયે, હાલના રાહુલ અને સચિનના ફોટામાં, રાહુલ ગાંધીની જમણી બાજુ સચિન પાયલોટ છે. બંને તસવીરોમાં દરેકની ચાલવાની સ્ટાઈલ જોવા મળી રહી છે.