બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય કેતન ઈનામદારે વહીવટદારો સામે બાંયો ચઢાવી છે. તેમણે આજે ત્રિમંદિર ખાતે સંમેલન યોજી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંમેલન યોજ્યું છે. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ પણ ભાગ લીધો છે. વરણામા ખાતે આવેલા ત્રિમંદિર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા.
મીડિયાને સંબોધતા ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું હતું કે, 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, ડેરીનું નિર્માણ જે હેતુથી થયું હતું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ. મારા સાથી ધારાસભ્યો મારી સાથે છે.'