ક્રિસમસના ઓર્ડરો ન મળતા સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલી વખત 15થી વધારે દિવસનું લાંબુ દિવાળી વેકેશન પડ્યું છે. સામાન્ય રીતે જ્વેલરી ઉત્પાદન ઈન્ડસ્ટ્રીમાં 6 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં 10થી 15 દિવસ થયાં હોવા છતાં હજી 30 ટકા જેટલાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો ખુલ્યા નથી. સુરત શહેરમાં 450થી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો કાર્યરત છે. જેમાંથી મોટા ભાગના યુનિટો એક્સપોર્ટ માટેની જ્વેલરીનું ઉત્પાદન કરે છે.
મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કર્મચારીઓ પર કાપ
જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કામ કરતાં કર્મચારીઓનો ફિક્સ પગાર હોય છે. જ્વેલરી યુનિટમાં ઓફિસ બંધ હોય કે, શરૂ હોય પરંતુ કર્મચારીઓનો પગાર શરૂ હોય છે. બીજી તરફ મંદી વાતાવરણને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ નથી જેને લઈને કર્મચારીઓના પગાર સહિતના ફિક્સ ખર્ચાઓ પર કાપ મુકવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના અનેક જ્વેલરી ઉત્પાદકોએ કર્મચારીઓ ઘટાડ્યા છે.
દિવાળી બાદ ક્રિસમસના ઓર્ડરો મળે છે
ભારતમાં દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ શહેરની ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ કંપનીઓ અને જ્વેલરી યુનિટો દ્વારા ક્રિસમસ માટેના ઓર્ડરોની તૈયારી કરવામાં આવી છે. દિવાળી બાદ ડિસેમ્બર મહિના સુધી ક્રિસમસના તહેવારને લઈને જ્વેલરી ડિઝાઈન કરવામાં આવે છે. પરંતુ હાલ મંદી હોવાને કારણે સુરતના જ્વેલરી ઉત્પાદકોને ઓર્ડર મળ્યા નથી. ઘણા યુનિટો વેકેશન બાદ પણ ખૂલી શક્યા નથી.
6 દિવસનું વેકેશન 10થી 15 દિવસનું થવા છતાં30% જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો ખુલ્યા નથી
છેલ્લાં 2 વર્ષથી ઓવર પ્રોડક્શન : કર્મચારીઓને સાચવવા માટે જ્વેલરી યુનિટો દ્વારા જ્વેલરીનું પ્રોડક્શન શરૂ રાખવામાં આવ્યું હતું. પરંતુ 2 વર્ષ બાદ પણ મંદીનું રહેતાં જ્વેલરી યુનિટોનું ઓવર પ્રોડક્શન થઈ ગયું છે. જ્વેલરી મેન્યુફેક્ચર્સ પાસે જ્વેલરીનો મોટો સ્ટોક પડ્યો છે.