તુર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને બુધવારે જાહેરાત કરી કે તુર્કિયેએ ઈઝરાયલની સાથે તમામ સંબંધ તોડી દીધા છે. આ નિવેદન તેમણે સાઉદી અરેબિયા અને અજરબૈજાનના પ્રવાસ બાદ પોતાના વિમાનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું. એર્દોગને કહ્યું, 'તુર્કિયે ગણરાજ્યની સરકાર, મારા નેતૃત્વમાં, ઈઝરાયલની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખશે નહીં અને અમે પોતાના આ વલણ પર દ્રઢ રહીશું.'
તુર્કિયેએ પોતાના રાજદૂત બોલાવ્યા હતા
તુર્કિયેએ મે મહિનામાં ઈઝરાયલ પર વ્યાપારી પ્રતિબંધ લગાવ્યા હતા, પરંતુ હજુ પણ તુર્કિયેના રાજદ્વારી મિશન તેલ અવીવમાં ખુલ્લા અને સંચાલિત છે. ગયા વર્ષે તુર્કિયેએ પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા, જ્યારે ઈઝરાયલે સુરક્ષા કારણોથી અંકારામાં પોતાના દૂતાવાસ ખાલી કરી દીધા.
એર્દોગને એ પણ કહ્યું કે તુર્કિયે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ગાઝામાં કરવામાં આવેલા કૃત્યો માટે જવાબદાર ઠેરવવા માટે દરેક શક્ય પગલા ઉઠાવશે. તુર્કિયેએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઈઝરાયલ વિરુદ્ધ ચાલી રહેલા નરસંહાર મામલે હસ્તક્ષેપ કર્યો છે અને ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની પણ વકાલત કરી છે.
નવેમ્બરમાં તુર્કિયેએ સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલને હથિયારો અને ગોળા-બારુદનો પુરવઠો રોકવા માટે એક પહેલ શરૂ કરી, જેમાં 52 દેશો અને બે આંતરરાષ્ટ્રીય સંગઠનોને સમર્થન આપ્યું છે. એર્દોગને કહ્યું કે તેમણે આ પહેલને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને મહાસચિવ સમક્ષ પ્રસ્તુત કર્યા છે અને રિયાધમાં આયોજિત એક શિખર સંમેલનમાં અરબ લીગના તમામ સભ્યોને એક પત્ર પર હસ્તાક્ષર કરવાનું આમંત્રણ પણ આપ્યું.
તુર્કિયે-ઈઝરાયલ સંબંધોમાં ઘટાડો
તુર્કિયે અને ઈઝરાયલના સંબંધોમાં ગયા વર્ષે ન્યૂયોર્કમાં એર્દોગન અને નેતન્યાહૂની વચ્ચે બેઠક બાદથી ઘટાડો આવ્યો છે, જે બંને દેશોની વચ્ચે શાંતિનું પ્રતીક માનવામાં આવ્યુ હતુ પરંતુ 7 ઓક્ટોબર 2023એ હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા અને તે બાદ ગાઝા પર ઈઝરાયલની જવાબી કાર્યવાહી બાદ જેમાં 43,000 થી વધુ પેલેસ્ટાઈન માર્યા ગયા, તુર્કિયેએ નેતન્યાહુ સરકારની આકરી ટીકા કરી છે.
તુર્કિયેમાં તાજેતરની સ્થાનિક ચૂંટણીમાં એર્દોગનની ન્યાય અને વિકાસ પાર્ટી (AKP) એ કમજોર પ્રતિક્રિયાના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો, જે બાદ તુર્કિયેએ ઈઝરાયલ પર કાયદેસર અને વ્યાપારી પ્રતિબંધોને વધુ કડક કર્યાં.