આ સિવાય કુલ 11 રાજ્યોની 31 વિધાનસભાની બેઠકો અને વાયનાડ લોકસભાની બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થયું હતું.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં આજે પહેલા તબક્કામાં કુલ 81માંથી 43 બેઠકો પર મતદાન યોજાયું હતું.
જ્યારે વાયનાડ લોકસભાથી કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણીમેદાનમાં ઊતરી રહ્યાં હોવાથી એ બેઠક પણ ચર્ચામાં છે.
કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધી કેરળના મુસ્લિમ બાહુલ વાયનાડથી ચૂંટણી મેદાનમાં પ્રથમ વખત ઊતર્યાં છે.
વાયનાડમાં પણ મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રિયંકા ગાંધી વાયનાડ પહોંચ્યાં હતાં.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "લોકો બહાર નીકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે એ સારી વાત છે. મને આશા છે કે લોકો મતદાનના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરશે. સંવિધાન દ્વારા તેમને આ સૌથી મોટી તાકાત આપવામાં આવી છે અને તેનો તેમણે સારો ઉપયોગ કરવો જોઈએ."
લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠકોથી જીત મેળવી હતી. ત્યારબાદ તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હોવાથી અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
વાયનાડ લોકસભાથી કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને જ ટિકિટ આપી છે. આમ, પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી મેદાનમાં હતાં.
પ્રિયંકા ગાંધી સામે લૅફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટના સત્યન મોકેરી અને ભાજપનાં નવ્યા હરિદાસ મેદાનમાં છે.
આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાય છે. જે મુસ્લિમ બાહુલ છે.
2019માં રાહુલ ગાંધીએ અહીંથી 4.31 લાખ મતે તથા 2024માં 3.64 લાખ મતે જીત મેળવી હતી.
અહીં કૉંગ્રેસની આસાન જીતની ધારણા છે. શું પ્રિયંકા ગાંધી તેમના ભાઈ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશે અને છ લાખથી વધુ મતોના અંતરથી જીતી શકશે? કૉંગ્રેસ પક્ષના કાર્યકરોમાં આ સવાલની ચર્ચા વધુ છે.