નાદારી નોંધાવી ચુકેલી જેટ એરવેઝ ફરીથી શરુ થવાની આશા પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેટ એરવેઝની સંપતિનું લિક્વિડેશન (SC’s order on Jet Airways assets) કરવાના આદેશ આપ્યા છે, એટલે કે હવે જેટ એરવેઝની સંપત્તિ વેચવામાં આવશે. અગાઉ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ મંજૂર રિઝોલ્યુશન પ્લાન હેઠળ જેટ એરવેઝની માલિકી જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (JKC) ને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી, આજે સુપ્રીમ કોર્ટે NCLATના નિર્ણયને રદ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લિક્વિડેશન જેટ એરવેઝના લેન્ડર્સ અને તેના કર્મચારીઓના હિતમાં રહેશે કારણ કે જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (JKC) તેની મંજૂરીના પાંચ વર્ષ પછી પણ રિઝોલ્યુશન પ્લાનનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈને લિક્વિડેટરની નિમણૂક માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે લેન્ડર્સને રૂ. 150 કરોડની પરફોર્મન્સ બેન્ક ગેરંટી (PBG) ને ઇનકેશ કરવાની પણ મંજૂરી આપી છે.
નરેશ ગોયલની આગેવાની હેઠળની જેટ એરવેઝ એક સમયે દેશની પ્રીમિયર એરલાઇન હતી. જેટ એરવેઝ 2019 થી ગ્રાઉન્ડેડ છે અને તેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત છે. ત્યારબાદ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ જેટ એરવેઝના માલિકીના હકો યુકે સ્થિત કાલરોક કેપિટલ અને યુએઈ સ્થિત ઉદ્યોગપતિ મુરારી લાલ જાલાનના કન્સોર્ટિયમને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.