Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 1 January 2025

ગુજરાતમાં ચાર વર્ષમાં 6000 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોને તાળાં કેમ લાગી ગયાં?

ગુજરાતમાં ચાર વર્ષમાં 6000 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોને તાળાં કેમ લાગી ગયાં?
લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં કુલ 5,974 એમએસએમઈ યુનિટને તાળાં લાગી ગયાં છે.

ગુજરાતના આર્થિક વિકાસમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને સૌથી મહત્ત્વનું અંગ ગણવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં તાજેતરનાં વર્ષોમાં હજારોની સંખ્યામાં એમએસએમઈ એકમો બંધ થયા હોવાની માહિતી બહાર આવી છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં કુલ 5,974 એમએસએમઈ યુનિટને તાળાં લાગી ગયાં છે.

આખા દેશમાં સૌથી વધુ એમએસએમઈ યુનિટ બંધ થવામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 15,220 યુનિટ અને બીજા ક્રમે તામિલનાડુમાં 7894 યુનિટ બંધ થયાં છે. રાજસ્થાનમાં 4,994 યુનિટ અને ઉત્તર પ્રદેશમાં 3,769 યુનિટ બંધ થયાં હતાં.

વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું, "આખા દેશમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન પૉર્ટલ હેઠળ રજિસ્ટર થયેલાં 61,469 એમએસએમઈ એકમો બંધ થયાં હતાં, જેમાં 60,909 માઇક્રો યુનિટ, 507 નાનાં એકમો અને 53 મધ્યમ સાઇઝનાં એકમો બંધ થયાં હતાં."

આ સમયગાળામાં કોરોના મહામારીનો ગાળો પણ આવી જાય છે જ્યારે લૉક-ડાઉનના કારણે માગમાં મોટો ઘટાડો થયો હતો અને કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. તેનાથી ટેક્સ્ટાઈલ અને કેમિકલ સેક્ટરને સૌથી વધારે અસર થઈ હોય તેવું જણાઈ આવે છે. કારણ કે, ઘટતી ડિમાન્ડ અને કાચી સામગ્રીના વધતા ભાવના કારણે ઘણાં એકમો ટકી શક્યા ન હતાં.

ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ (આઈસીસી)ના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું, "એમએસએમઈને હાલમાં ફાઇનાન્સનો પ્રશ્ન સૌથી વધુ નડે છે. હવે 250 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી પણ એમએસએમઈમાં આવે છે. લોન આપવાની વાત આવે ત્યારે બૅન્કો એમએસએમઈમાં જ આવતી મોટી ઇન્ડસ્ટ્રીને લોન આપે છે, પણ સ્મૉલ અને માઇક્રો ઉદ્યોગોને લોન નથી મળતી. બૅન્કોએ કોલેટરલ વગર નાના ઉદ્યોગોને બે કરોડની લોન આપવાની હોય છે, પરંતુ તેવું થતું નથી. માત્ર ખાનગી બૅન્કો જ નહી, પરંતુ સરકારી બૅન્કો પણ નાના ઉદ્યોગોને લોન આપવાનું ટાળે છે."

કોરોનાને કારણે પહેલેથી ઘણા ઉદ્યોગો સંકટમાં હતા. ત્યારપછી લોનના રેટ વધ્યા અને કૅશ-ફ્લોને અસર થઈ. સરકારે નાના બિઝનેસના કૅશ-ફ્લોની સમસ્યા દૂર કરવા સીજીટીએમએસઈ સ્કીમ શરૂ કરી જેના માટે બૅન્કિંગ ફૅસિલિટી જરૂરી હતી. માઇક્રો એકમો પાસે બૅન્ક ફૅસિલિટી ન હોવાના કારણે તેઓ સીજીટીએમએસઈના લાભ મેળવી ન શક્યાં."

પહેલી એપ્રિલ, 2024થી દેશમાં એમએસએમઈ માટે 45 દિવસમાં પેમેન્ટનો નિયમ આવ્યો છે. તેથી કોઈ મોટા ઉદ્યોગો જ્યારે એમએસએમઈ પાસેથી સામાન કે સર્વિસ ખરીદે ત્યારે 45 દિવસની અંદર તેનું પેમેન્ટ કરવું પડે છે. મોટા ઉદ્યોગો તેના માટે રાજી ન હતા તેથી તેમણે નાના ઉદ્યોગોને દબાવવાનું શરૂ કર્યુ એવું પણ અમદાવાદ સ્થિત એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું.