Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 1 January 2025

ગુજરાત સરકારે લેખિતમાં સ્વીકાર્યું-પોલીસ ફરિયાદ લેતી નથી:અધિક ગૃહ સચિવની CP અને SPને પત્ર લખી ચીમકી, તમામ FIR તાત્કાલિક નોંધો, નહીં તો કડક કાર્યવાહી થશે

ગુજરાત સરકારે લેખિતમાં સ્વીકાર્યું-પોલીસ ફરિયાદ લેતી નથી:અધિક ગૃહ સચિવની CP અને SPને પત્ર લખી ચીમકી, તમામ FIR તાત્કાલિક નોંધો, નહીં તો કડક કાર્યવાહી થશે
પોલીસતંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે. વર્ષોથી ઊઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી છે.

આ મામલે 27 ડિસેમ્બર 2024ના રોજ અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે તમામ એસપી અને પોલીસ કમિશનરને ચાર ફકરાનો પત્ર લખ્યો હતો. આ પત્ર ભાસ્કરે મેળવ્યો છે. આ પહેલાં 21 ડિસેમ્બરના રોજ દિવ્ય ભાસ્કરે અમદાવાદ પોલીસ ડિજિટલ એરેસ્ટનો શિકાર બનેલા યુવકની ફરિયાદ ન લેતી હોવા અંગે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. ભાસ્કરના અહેવાલ બાદ હવે સરકારે આ વાતને ગંભીરતા લીધી છે.

નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોઈ, ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવે છે.

તાજેતરમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવા અંગે SWAGAT કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. આ લોકરજૂઆતને પગલે સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ લેતી નથી. અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે આ અંગે તમામ એસપી અને પોલીસ કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે ફરિયાદ નોંધો-તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.

અધિક મુખ્ય સચિવે પત્રમાં શું શું લખ્યું?

સાચા ફરિયાદીને બદલે અન્યનો બચાવ કરનારા અધિકારીઓ CMની નજરે ચઢ્યા એફઆઈઆર ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના બિન-ગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે, તેની ફરિયાદ વણઉકેલાયેલી રહે છે. તાજેતરના SWAGATમાં પણ, એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા, જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરતા હોય.

26/12/2024ના રોજ યોજાયેલા તાજેતરના SWAGATમાં વાત સામે આવી હતી, એ સંબંધિત તમામ CPs/SPs કે જેમની SWAGAT દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી, એ તમામ મુદ્દે FIR નોંધશે અને આજે જ આ ઓફિસને જાણ કરશે.

સ્વાગત-2.0 ગુડ ગવર્નન્સ ડે પર, માનનીય મુખ્યમંત્રી એ SWAGAT-2.0 ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો છે, આથી તમામને ફરિયાદના નિકાલ માટે સમયમર્યાદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. SWAGAT-2.0 એસ્કેલેશન મેટ્રિક્સ ધરાવે છે અને જો એને યોગ્ય સ્તરે ઉકેલવામાં નહીં આવે, તો એ આપમેળે વધશે, આથી તમામ વરિષ્ઠ અધિકારીઓને આપેલા સમય મેટ્રિક્સની અંદર ફરિયાદનું તાત્કાલિક ધ્યાન રાખવા સૂચના આપવામાં આવે છે.

હું તમામ CPs/SPsને વિનંતી કરું છું કે સમયમર્યાદામાં તમામ ફરિયાદોનું અસરકારક અને યોગ્ય રીતે નિવારણ કરવામાં આવે, તમામ FIR તાત્કાલિક નોંધવામાં આવે, કેસોની તપાસ કરવામાં આવે અને કાયદા અનુસાર નિકાલ કરવામાં આવે. એફઆઈઆર નોંધવામાં હેતુપૂર્ણ વિલંબના કોઈપણ દાખલાને ગંભીરતાથી જોવામાં આવશે અને કડક પગલાં લેવાશે.

પોલીસે ફરિયાદ ન લીધાનો  સ્ટિંગમાં ઘટસ્ફોટ 

પોલીસ અધિકારીઓ છાતી ઠોકીને કહે છે કે અમદાવાદમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે, પણ હકીકત કંઈક અલગ છે. ક્રાઈમ રેટ ઓછો બતાવવા પોલીસ ફરિયાદ લેતી નથી. આની સાબિતી આપતી કડી મળી હતી. વાત એમ છે કે અમદાવાદનો એક યુવાન ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો. તેની પાસેથી સાયબર ઠગોએ 2.92 લાખ પડાવી લીધા. તેણે પહેલા તો સાયબર ક્રાઈમ માટેની હેલ્પલાઈન નંબર 1930માં જાણ કરી દીધી.

ત્યાર પછી જ્યારે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનમાંથી જવાબ મળ્યો કે આમાં FIR ન હોય. આ વાતની જાણ યુવકે સમાચાર માધ્યમ નો સહારો લઇ વાત સાર્વજનિક કરી આખરે તંત્રએ કહ્યુ કે ફરિયાદ તો લેવાતી જ હોય. તમે પુરાવા લઈ આવો. તમારી પાસે કોઈ પુરાવા છે કે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી? ત્યારે યુવકે કહ્યું કે ફરી ફરિયાદ નોંધાવવા જઈશ ત્યારે પુરાવા લઈ આવીશ.

યુવક જ્યારે ફરીવાર ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તેણે વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, એમાં એ ઘટના કેદ થઈ કે સિવિલ ડ્રેસમાં રહેલાં મહિલા પોલીસ કર્મચારી FIR લેવાની ના પાડી દે છે.

આ એ વાતની સાબિતી પણ છે કે સાયબર ક્રાઈમ જેવા ગંભીર ગુનામાં પણ પોલીસ ફરિયાદ લેવાનું ટાળી રહી છે. સરકાર અને ઉચ્ચ અધિકારીઓ ઈચ્છે જ છે કે તમામ ગુનાઓમાં તરત ફરિયાદ થાય. ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ જેવા કિસ્સામાં તો સતર્ક રહીને પોલીસે ફરિયાદ નોંધવી જોઈએ, એવું ઉચ્ચ સ્તરેથી વારંવાર કહેવામાં આવ્યું છે. કોઈક કારણસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ફરિયાદીને નવનેજાં ઊતરી જાય છે. આ બનાવ પછી પોલીસે તરત યુવકની FIR લીધી હતી. આ કેસમાં FIR લેવાની ના પાડનારાં મહિલા પોલીસકર્મચારી સામે હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી.