16મી જાન્યુઆરી, ગુરુવારે સવારના લગભગ સાડા નવ વાગ્યા એટલે બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મુખ્ય મંદિરમાં ભાવિકોની કતારો લાગવા માંડી. આજુબાજુની દુકાનોમાંથી લોકોને તેમના મોબાઇલ ફોન મંદિરમાં લઇ જવાની છૂટ ન હોવાની સાઉન્ડ બાઇટ સ્પીકરમાં વાગી રહી હતી અને લોકોને તેમના મોબાઇલ આ દુકાનોમાંના લૉકરમાં પાંચ રૂપિયા આપી જમા કરાવવા કહેવામાં આવી રહ્યું હતું.
મંદિરના મુખ્ય દ્વાર નજીક આવેલ બેટ-દ્વારકા પોલીસ સ્ટેશનમાં પણ ગતિવિધિ વધવા માંડી હતી. એક પોલીસ અધિકારી માઇક લઈને કંઇક સૂચના આપી રહ્યા હતા અને સંખ્યાબંધ પોલીસકર્મચારીઓને કતારમાં ગોઠવી રહ્યા હતા.
થોડા સમય બાદ આ કવાયત પૂર્ણ થઇ જોકે યાત્રાળુઓની સંખ્યા તો વધતી જ રહી. બેટ-દ્વારકા ટાપુને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડતો સુદર્શન સેતુ નામનો બ્રીજ 11 જાન્યુઆરી 2025ના રોજ બહારના લોકો અને યાત્રાળુ માટે બંધ કરી દેવામાં આવ્યો અને ત્રણ દિવસ સુધી તેને બંધ રાખવામાં આવ્યો હતો.
આ કવાયત એટલા માટે કરવામાં આવી હતી કે યાત્રાસ્થળ દ્વારકાથી 34 કિલોમીટર દૂર આવેલા બેટ-દ્વારકામાં સરકારે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં સરકારના કહેવા પ્રમાણે અનેક ગેરકાયદે મકાનો, બાંધકામો અને ધાર્મિકસ્થળોને ધરાશાયી કરી દેવાયાં છે.
બેટ-દ્વારકા એક ટાપુ છે અને ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલું યાત્રાસ્થળ પણ છે. અહીં જવા માટે પહેલાં બ્રીજ ન હતો અને લોકો બોટમાં બેસીને ત્યાં પહોંચતા હતાં. જોકે, હવે સરકારે બ્રીજ બનાવ્યો છે જે અહીં જવા માટેનો એક માત્ર રસ્તો છે.
બ્રીજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે ગુરુવારે પણ દિવસ થોડો ચડ્યો એટલે બેટ-દ્વારકા ટાપુની ગલીઓ અને શેરીઓના નાકે નાકે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત નજરે ચડતો હતો. ટાપુના ભીમસર વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ ચાલુ હોવાથી તે વિસ્તારમાં પોલીસે બહારના લોકોની અવરજવર પર નિયંત્રણો લાદ્યાં હતાં. પરંતુ અન્ય વિસ્તારોમાં લોકો પર આવાં નિયંત્રણો ન હતાં.
બાલાપરના રણ વિસ્તારમાં મફતિયા પ્લૉટ તરીકે ઓળખાતા વિસ્તારમાં 10 જાન્યુઆરી સુધી 200થી વધારે કાચાં-પાકાં મકાનો, પાકા સિમેન્ટ કોંક્રિટના આંતરિક રોડ, બે આંગણવાડીઓ અને પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ ધરાવતી એક સરકારી પ્રાથમિક શાળા ધરાવતો એક વિસ્તાર હતો.
જોકે, સરકારે આ વિસ્તારના મકાનોને "ગૌચર જમીન પર બાંધવામાં આવેલ ગેરકાયદેસરના બાંધકામ" જાહેર કરી તેમને બુલડોઝર અને અન્ય મશીનોથી તોડી પાડવાનું ચાલું કર્યું. ગુરુવાર સુધીમાં આ વિસ્તાર કોઈ ચૂનાના પથ્થરની ખાણ બહાર પડેલ સેકન્ડ-હેન્ડ પથ્થરના ઢગલા જેવા લાગતા કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
2002માં બંધાયેલ શાળા અને બે આંગણવાડીઓ જ આ વિસ્તારમાં ઊભાં રહેલાં મકાનો છે. વીજળીના થાંભલા અને તાર બચી ગયા છે, પરંતુ આ સિવાય તમામ મકાનો તોડી પાડવામાં આવ્યાં છે.
માહિતી પ્રમાણે 18 જાન્યુઆરી, 2025 સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં- બેટદ્વારકા, દ્વારકા શહેર અને ઓખામાં ચાલી રહેલા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન કુલ 525 'ગેરકાયદે બાંધકામો' તોડી પાડવામાં આવ્યાં છે. બેટદ્વારકામાં ત્રણસોથી વધારે દબાણો હતાં.
જે પૈકી કુલ 6 ધાર્મિકસ્થળો અને ત્રણ વાણિજ્ય બાંધકામોનો પણ સમાવેશ થાય છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન સરકારે 1,27 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી છે. જેની બજાર કિંમત 73.25 કરોડ રૂપિયા થવા જાય છે.
સરકારે જ પ્લોટ ફાળવ્યા હતા અને કોરિડોર માટે મકાનો ધરાશાયી કરી દેવાયાં?
કેટલાક અસરગ્રસ્તોએ સરકારે રહેણાંક પ્લોટની ફાળવણીની સનદો બતાવતા આક્ષેપ કર્યા કે 1982માં સરકારે જે પ્લોટ ફાળવ્યા હતા તેની પર બાંધેલ મકાન પણ તોડી પાડયાં છે.
બેટ-દ્વારકાના પૂર્વ સરપંચ હેમભા વાઢેરે જણાવ્યું કે 40થી વધારે લોકોને બાલાપારમાં રહેણાંક મકાન હેતુના પ્લૉટ સરકારે 1982માં ફાળવ્યા હતા.
તેઓ કહે છે "હું જ્યારે તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે મેં જ પ્લોટ ફાળવેલ. પણ તેમાં આડાઅવળાં બાંધકામ થયાં છે. તે આ લોકો (સરકારી અધિકારીઓ)ની નજરમાં આવ્યું. ઇંદિરા આવાસવાળા કાયદેસરનાં હતાં પણ કંઈક આડુંઅવળું કર્યું તેથી તેનેય પાડી દીધાં"
જોકે, દ્વારકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી અમોલ આવતે આવા દવાનું ખંડન કર્યું. તેઓ કહે છે, "કાયદેસરનાં મકાન તોડી પાડયાં તેવા દાવા તથ્યવિહોણા છે. અમે કાયદેસરનાં તેમ જ ધાર્મિક બાંધકામો જેના ડિમોલિશન સામે માનનીય ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે તેને અડક્યાં નથી."
"પરંતુ કેટલાંક મકાનો જે સરકારે ફાળવેલ પ્લૉટ પર બાંધવામાં આવ્યાં હતાં તે જરૂરી પરવાનગી વગર અને નજીકની જમીનો પર પણ બંધાયેલા હોય નિયમ મુજબ તોડી પાડયાં છે."