Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 22 January 2025

પ્રદીપ શર્મા : એક સમયે નરેન્દ્ર મોદીની 'મુશ્કેલી વધારનાર' પૂર્વ IASને પાંચ વર્ષની સજા થઈ

પ્રદીપ શર્મા : એક સમયે નરેન્દ્ર મોદીની 'મુશ્કેલી વધારનાર' પૂર્વ IASને પાંચ વર્ષની સજા થઈ
           પ્રદીપ શર્માની ફાઇલ તસવીર
અમદાવાદની સ્થાનિક અદાલતે ગુજરાતના પૂર્વ આઈએએસ ઑફિસર પ્રદીપ શર્માને વર્ષ 2004માં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ તથા રૂ. 75 હજારના દંડની સજા ફટકારી છે.

શર્માની ઉપર આરોપ હતો કે કચ્છમાં સેવારત હતા, ત્યારે તેણે જિલ્લામાં વ્યાપક વેપારીહિતો ધરાવતા મુંબઈસ્થિત ઉદ્યોગગૃહ પાસેથી પોતાનાં પત્નીને આર્થિકલાભ અપાવ્યા હતા, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું.

શર્માએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ઉપર ગુજરાતની એક યુવતીની જાસૂસી કરાવવાના આરોપ મૂક્યા હતા તથા આ અંગે સર્વોચ્ચ અદાલતમાં ઍફિડેવિટ પણ દાખલ કરી હતી.

આ આરોપોનો રેલો ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહ મંત્રી અમિત શાહ સુધી પણ પહોંચ્યો હતો.

પ્રદીપ શર્માના ભાઈ કુલદીપ ગુજરાતમાં આઈપીએસ ઑફિસર હતા. ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં હુલ્લડો બાદ જે આઈપીએસ અધિકારીઓ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે પડ્યા હતા તેમાં કુલદીપ શર્મા સામેલ હતા.
             પ્રતીકાત્મક તસવીર

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભ્રષ્ટાચારના આરોપમાં ભૂજની જેલમાં બંધ શર્મા સામેના દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના ત્રણ કેસ એક સાથે ચલાવવામાં આવ્યા હતા.

પ્રદીપ શર્મા વર્ષ 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે વૅલસ્પન ગ્રૂપને બજારકિંમતના 25 ટકા ભાવથી આપી હતી, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીને રૂ. એક કરોડ 20 લાખનું નુકસાન થયું હતું.

આના બદલામાં વૅલસ્પન જૂથે શર્માનાં પત્નીને તેમની એક પેટા કંપની વૅલ્યૂ પૅકેજિંગમાં 30 ટકાના ભાગીદાર બનાવ્યાં હતાં. આ સિવાય પ્રદીપ શર્માનાં પત્નીને રૂ. 29 લાખ 50 હજાર જેટલો આર્થિકલાભ મળ્યો હતો.

ઍન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના આધારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ કે. એમ. સોજિત્રાએ ભ્રષ્ટાચાર નિરોધક કાયદાની કલમ 13(2) (સરકારી નોકર દ્વારા ગુનાહિત કૃત્ય આચરવું) અને કલમ 11 (સરકારી નોકર દ્વારા ગેરવ્યાજબી લાભ મેળવવો) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને ટાંકતા એજન્સી લખે છે કે શર્માને કલમ-13 (2)ના ભંગ બદલ ત્રણ વર્ષની જેલની સજા તથા રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય કલમ-11ના ભંગ બદલ બે વર્ષની જેલ તથા રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એસીબી દ્વારા સપ્ટેમ્બર-2014માં આ કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.
2006 સુધી ભૂજમાં નોકરી કર્યા બાદ પ્રદીપ શર્માને ભાવનગરમાં પોસ્ટિંગ મળ્યું હતું. અહીંના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકાર અને શર્માની વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું અને શર્માની ઉપર ભૂજના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. જાન્યુઆરી-2010માં પ્રદીપની શર્માની ધરપકડ કરી હતી.

શર્માની સામે ભ્રષ્ટાચાર સહિત અલગ-અલગ 10થી વધુ કેસ દાખલ થયા હતા. એક તબક્કે રાજકોટસ્થિત વરિષ્ઠ ક્રિમિનલ લૉયર અભય ભારદ્વાજ તેમની સામે અદાલતમાં હાજર રહ્યા હતા. આગળ જતાં તેઓ રાજ્યસભામાંથી ભાજપના મૅન્ડેટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા.