સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, "પુષ્પક ઍક્સપ્રેસના મુસાફરો કર્ણાટક ઍક્સપ્રેસની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમનાં મૃત્યુ થયાં."
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, "પચોરા સ્ટેશન પર કોઈ વ્યક્તિએ આગ લાગ્યાની આશંકાને કારણે ચેન ખેંચી દીધી હતી, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ. આ ઘટના સાંજે પાંચ વાગ્યે બની હતી."
પીટીઆઇ અનુસાર, કર્ણાટક ઍક્સપ્રેસની ઝપેટમાં આવી જવાને કારણે આ અકસ્માત થયો.
જલગાંવ જિલ્લા મૅજિસ્ટ્રેટે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે અને તેમની પચોરા રૂરલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીજી તરફ ભુસાવલ ડિવિઝનના રેલવે પીઆરઓએ જણાવ્યું કે, "લખનૌથી મુંબઈ જતી પુષ્પક ઍક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં સ્પાર્કિંગ થયું હતું, જેનાથી મુસાફરોને લાગ્યું કે તેમાં આગ ફાટી નીકળી છે."
"આના કારણે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા. બીજી તરફથી કર્ણાટક ઍક્સપ્રેસ આવી રહી હત અને ઘણા મુસાફરો તેની ઝપેટમાં આવી ગયા."
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "મારા સહયોગી મિત્ર ગિરીશ મહાજન અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા મૅજિસ્ટ્રેટ પણ જલદી પહોંચશે. જિલ્લાનું આખું પ્રશાસન રેલવે સાથે તાલમેલમાં છે અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડાઈ રહ્યા છે."
તેમણે કહ્યું કે "આઠ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલાઈ છે. આસપાસની ખાનગી હૉસ્પિટલોને પણ સારવાર માટે ઍલર્ટ પર રખાઈ છે. અમારી ઘટનાક્રમ પર નજર છે અને જરૂરી તમામ મદદ તરત પહોંચાડાઈ રહી છે."