Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 8 March 2025

મણિપુરમાં ફ્રી ટ્રાફિક મૂવમેન્ટના પહેલા જ દિવસે ભયંકર હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મી ઘાયલ

મણિપુરમાં ફ્રી ટ્રાફિક મૂવમેન્ટના પહેલા જ દિવસે ભયંકર હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મી ઘાયલ
મણિપુર રાજ્યમાં ભયમુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશના એક અઠવાડિયા બાદ ફરી હિંસા ફાટી નીકળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શનિવારના રોજ એ સમયે હિંસા ભકડી ઉઠી જ્યારે રાજ્ય વહીવટીતંત્રએ ઇમ્ફાલથી કાંગપોકપી જિલ્લાના રસ્તે સેનાપતિ અને ઇમ્ફાલથી વિષ્ણુપુરના રસ્તે ચુરાચંદપુર સુધી  બસ સેવાઓ શરૂ કરી હતી ત્યારે ફરી હિંસા ફાટી નીકળી હતી. 

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ છે.

બસને આગ ચાંપવામાં આવી 

કાંગપોક્પીમાં ગામના કેટલાક સ્વયંસેવકોએ લાકડીઓ અને પથ્થરોથી રસ્તો રોકી દીધો. એક બસને આગ ચાંપી દેવામાં આવી હોવાના પણ સમાચાર છે. એવું કહેવાય છે કે, સ્થાનિક લોકો અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે ગામના ઘણા સ્વયંસેવકો ઘાયલ થયા છે.

મણિપુરમાં ફરી હિંસા

સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણનો સ્થાનિક લોકોએ વીડિયો પણ બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલીક બસોને આગ ચાંપવામાં આવી રહી છે અને લાકડા અને પથ્થરોથી રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. બસો પર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 22 મહિનામાં મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી. અને તેના કારણે મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું. જે પછી  મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. 

સરકારે આપી ચેતવણી

શુક્રવારે મણિપુરના મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે કે, મણિપુરમાં બસ સેવાઓ શનિવાર 8 માર્ચથી ફરી શરૂ થશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો બસ સેવાઓને સુરક્ષા એસ્કોર્ટ પ્રદાન કરશે. નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બસો ઇમ્ફાલ-કાંગપોકપી-સેનાપતિ, સેનાપતિ-કાંગપોકપી-ઇમ્ફાલ, ઇમ્ફાલ-બિષ્ણુપુર-ચુરાચંદપુર અને ચુરાચંદપુર-બિષ્ણુપુર-ઇમ્ફાલ રૂટ પર દોડશે. મુખ્ય સચિવે એવી ચેતવણી પણ આપી છે કે, જો કોઈ બસ સેવાઓના ટ્રાફિકમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહમંત્રીએ સમીક્ષા કરી હતી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1 માર્ચે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સુરક્ષા દળોને મણિપુરના રસ્તાઓ પર બધા માટે સ્વતંત્ર અવરજવર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ બધા માટે મુક્ત અવરજવર ફરી શરૂ કરવા માટે 8 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી. તે પછી રાજ્ય વહીવટીતંત્રે મુખ્ય રૂટ પર મણિપુર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (MST) બસો ચલાવવાનું શરૂ કર્યું હતું.