અમેરિકાના ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેના વિવાદ પછીથી રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા થઈ રહી છે. અમેરિકામાં પણ પુતિનને લઈને વાતો થઈ રહી છે, ત્યારે ટ્રમ્પે રિએક્શન આપ્યું છે. જેને લઈને ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'આપણે પુતિન વિશે ચિંતા કરવામાં સમય બગાડવો જોઈએ નહીં. અમેરિકન લોકોએ શું ધ્યાન આપવું જોઈએ. આપણે આપણા દેશમાં પ્રવેશતા પ્રવાસી, રેપ ગેંગ, ડ્રગ માફિયા, હત્યારાઓ અને માનસિક સંસ્થાઓમાં રહેલા લોકો વિશે ચિંતા કરવામાં વધુ સમય પસાર કરવો જોઈએ, જેથી આપણે યુરોપ જેવા હાલ ન થાય.'
આપણા દેશ પર હુમલાઓ ખત્મ થઈ ગયા'
'અગાઉ ટ્રમ્પે સોશિયલ પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે, 'તે પોતાના કાર્યકાળના પહેલા મહિનામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યાને ઐતિહાસિક રીતે ઘટાડવામાં સફળ રહ્યા છે. આપણા દેશ પર હુમલાઓ ખત્મ થઈ ગયા છે. ફેબ્રુઆરી મહિનો મારા કાર્યકાળનો પહેલો સંપૂર્ણ મહિનો હતો. આ મહિને દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યા ઇતિહાસમાં સૌથી ઓછી હતી. યુએસ-મેક્સિકો સરહદ પર પેટ્રોલિંગ ટીમ દ્વારા 8,326 લોકોને પકડવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા કે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા. આનો અર્થ એ થયો કે આપણા દેશમાં બહુ ઓછા લોકો આવ્યા.'
ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડનના કાર્યકાળ પર વધુ પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, દર મહિને 300,000 લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોને દેશમાં જવા દેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના નિવેદન પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ગેરકાયદેસર સ્થળાંતર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ યુરોપની ટીકા કરી હતી.
'વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી નું કે (ઝેલેન્સ્કી) સાથેનુ વર્તન અપમાનજનક હતું'
ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સહાયકોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ટીકા કરી છે. રશિયન આક્રમણ સામેની લડાઈ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે લંડનમાં યુરોપિયન સમિટમાં હાજરી આપતા યુક્રેનિયન નેતાની યુએસ અધિકારીઓએ ટીકા કરી છે. શુક્રવારે ઓવલ ઓફિસમાં મળેલી મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કી અને ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. નેતાઓ વચ્ચેના ઝઘડાને કારણે વોશિંગ્ટન અને કિવ વચ્ચે આર્થિક કરાર પર હસ્તાક્ષર થયા ન હતા. આ વિવાદને કારણે યુક્રેન સાથેના સંબંધોનું ભવિષ્ય પ્રશ્નાર્થમાં આવી ગયું છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણ પછી શરૂ થયેલા સંઘર્ષના અંતની સંભાવના પણ જોખમમાં છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝે કહ્યું કે, 'વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કીનું વર્તન અપમાનજનક હતું.'