સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વિના લોકોના ઘર પાડવાના મામલે નિવેદન આપ્યું છે. કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને ખૂબ ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'આ પ્રકારની કાર્યવાહી ચોંકાવનારી છે અને ખૂબ ખોટું ઉદાહરણ રજૂ કરે છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય ઓકા અને એન કોટિશ્વર સિંહની બેન્ચે ઘર તોડવાના પગલાને અત્યાચારી ગણાવ્યું છે. સાથે જ કોર્ટે એ પણ કહ્યું છે કે 'સરકારે લોકોને મકાન પાછા બનાવીને આપવા પડશે.'
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, 'પ્રથમ દ્રષ્ટિએ, આ કાર્યવાહી ચોંકાવનારી છે અને ખોટો મેસેજ આપે છે. તેને ઠીક કરવાની જરૂર છે. તમે ઘરોને તોડીને આવા એક્શન કેમ લઈ રહ્યાં છો. અમે જાણીએ છીએ કે આ પ્રકારના તકનીકી તર્કોથી કેવી રીતે ઉકેલ મેળવવાનો છે. આખરે કલમ 21 અને આશ્રયના અધિકાર જેવી કોઈ બાબત હોય છે.' સુપ્રીમ કોર્ટમાં જુલ્ફિકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને એક અન્ય વ્યક્તિની અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેમણે સરકાર પર ગેરકાયદેસર રીતે ઘરોને પાડવાનો આરોપ લગાવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, જમીન ગેંગસ્ટર-રાજનેતા અતીક અહેમદની હતી, જે 2023માં હુમલામાં મૃત્યુ પામ્યો હતો.
સરકારનો તર્ક શું હતો?
આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી હતી, તે બાદ તેમણે સુપ્રીમ કોર્ટથી વિનંતી કરી હતી. અરજીકર્તાઓએ કહ્યું કે અમને માર્ચ 2021માં શનિવાર રાત્રે નોટિસ આપવામાં આવી અને રવિવારે ઘર તોડી દેવાયું. અરજીકર્તાઓએ એ પણ કહ્યું કે રાજ્યએ પોતાની ભૂલ સ્વીકાર કરવી જોઈએ. સરકાર તરફથી પક્ષ મૂકતાં એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું કે લોકોને નોટિસનો જવાબ આપવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો. જોકે જસ્ટિસ ઓકા આનાથી અસહમત હતાં. જસ્ટિસ ઓકાએ કહ્યું, 'નોટિસ આ પ્રકારે કેમ ચોંટાડવામાં આવી? કુરિયરથી કેમ મોકલવામાં આવી નહીં? કોઈ પણ આ પ્રકારે નોટિસ આપશે અને તોડફોડ કરશે. આ એક ખરાબ ઉદાહરણ છે.'
હાઈકોર્ટ મોકલવાની માગ ફગાવીહાઈકોર્ટ મોકલવાની માગ ફગાવી
આ દરમિયાન એટર્ની જનરલે મામલાને હાઈકોર્ટમાં સ્થળાંતરિત કરવાની માગ કરી. AGએ કહ્યું, 'હું ડિમોલિશનનો બચાવ કરી રહ્યો નથી પરંતુ આની પર હાઈકોર્ટને વિચાર કરવા દે.' જોકે, કોર્ટે આ માગને ફગાવી દીધી. કોર્ટે કહ્યું, 'બિલકુલ નહીં. બીજી વખત હાઈકોર્ટ જવું જોઈએ નહીં. ત્યારે મામલો ટળી જશે.'
પુનર્નિર્માણ કરાવવાનો આદેશ
કોર્ટે કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલા ઘરોનું પુનર્નિર્માણ કરવું પડશે. જો તમે સોગંદનામું દાખલ કરીને વિરોધ કરવા ઈચ્છો છો તો ઠીક છે, નહીંતર બીજી ઓછી શરમજનક રીત એ હશે કે તેમને નિર્માણ કરીને આપવામાં આવે અને પછી કાયદા અનુસાર તેમને નોટિસ આપવામાં આવે.'