ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સાગરપાલી ગામ પાસે કાચા તેલનો કૂવો મળવાની સંભાવના પર ONGCએ ખોદકામ શરૂ કર્યું છે, તેનાથી આસપાસના ખેડૂતોની જમીન સંપાદિત થવાની સંભાવના છે જેના કારણે ખેડૂતો સમૃદ્ધ બની શકે છે. બલિયામાં સ્વતંત્રતા સેનાની ચિટ્ટુ પાંડેના પરિવારની જમીન પર કાચા તેલનો મોટો ભંડાર મળી આવ્યો છે. ગંગા તટપ્રદેશમાં ત્રણ મહિનાના સર્વે બાદ આ જમીનમાં 3,000 મીટરની ઉંડાઇએ તેલનો ભંડાર મળી આવ્યો છે. ONGCએ સેનાની પરિવાર પાસેથી સાડા છ એકર જમીન ત્રણ વર્ષ માટે લીઝ પર લીધી છે અને વાર્ષિક રૂપિયા 10 લાખ ચૂકવી રહી છે.
ઉત્તર પ્રદેશના બલિયામાં મળ્યો તેલનો ભંડાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે 3,000 મીટરની ઊંડાઈએ તેલ છે. ONGCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં તેલનો ભંડાર છે, પરંતુ તે ઘણો ઊંડો છે. આ માટે 3,001 મીટર ડીપ બોરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ માટે દરરોજ 25,000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખોદકામનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ઓઈલ સપાટી સુધીનું બોરિંગ કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી અપેક્ષા છે. અહીંથી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ગંગાના તટપ્રદેશમાં અન્ય ઓળખી કાઢવામાં આવેલા સ્થળો પર સમાન કૂવાઓ ખોદવામાં આવશે.
ખેડૂતોનું નસીબ ખુલશે
જમીન માલિક નીલ પાંડેએ જણાવ્યું કે ONGC કંપનીએ અમારી જમીન 3 વર્ષ માટે વાર્ષિક 10 લાખ રૂપિયા આપવાનો કરાર કર્યો છે. 3 વર્ષ પછી તેને વધુ 1 વર્ષ લંબાવવામાં આવશે. અહીં ક્રૂડ ઓઈલનો સંગ્રહ થવાની સંભાવનાને લઈને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો ખોદકામમાં તેલ મળશે તો ONGC કંપની આસપાસની તમામ જમીનો મોંઘા ભાવે સંપાદિત કરશે, જેનો ખેડૂતોને ઘણો ફાયદો થશે.
કાચા તેલનો આ ભંડાર 300 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે
મળતી માહિતી અનુસાર, ક્રૂડ ઓઇલ અને ગેસનો આ વિશાળ ભંડાર બલિયાના સાગર પાલી ગામથી પ્રયાગરાજના ફાફામઉ સુધી ફેલાયેલો છે, જે 300 કિલોમીટરનો વિસ્તાર છે. આ ભંડારના હસ્તાંતરણથી ભારત માત્ર ઈંધણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે જ નહીં પરંતુ આરબ દેશો પરની તેની નિર્ભરતા પણ સમાપ્ત થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાચા તેલનો આ વિશાળ ભંડાર ઘણા દાયકાઓ સુધી બળતણ પૂરું પાડતું રહેશે.