જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીના મૃતદેહને વતનમાં લાવીને અંતિમસંસ્કાર કરાયા છે. ભાવનગરમાં મૃતક પિતા-પુત્રની અંતિમવિધિમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટના સમયે હાજર મૃતક સ્મિતના મામાના દીકરા સાર્થકે મુખ્યમંત્રી સમક્ષ આખી ઘટના વર્ણવી હતી.
સાહેબ, ત્યાં 300-400 લોકો હતા, પણ એક આર્મી જવાન નહોતો' આતંકી હુમલા સમયે પહેલગામમાં હાજર સાર્થક નાથાણીએ મુખ્યમંત્રી આગળ ઘટના વર્ણવતાં જણાવ્યું હતું કે અમે જતા હતા ત્યાં ગોળીનો અવાજ આવ્યો એટલે સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો આતંકીએ સાવ નજીક આવીને ગોળી મારી દીધી. હું 10 ફૂટ જેટલો દૂર હતો. આતંકીએ મારી સામે જોયું, પણ હું દીવાલ પાછળ સંતાઇ ગયો. સાહેબ, ત્યાં 300-400 લોકો હતા, પણ એક આર્મી જવાન નહોતો. અડધા કલાકે તો આર્મી આવી. મારા ભાઇને નીચે લાવ્યા ત્યારે આર્મી અમને સામે મળી. સાહેબ,
'ઉપર ગયા એની બે-ત્રણ મિનિટમાં ફાયરિંગ થયું' સાર્થકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે શ્રીનગરથી ફરવા ગયા હતા, બે દિવસનો પ્રોગ્રામ હતો. અમે ટિકિટ લઇને ઉપર ગયા એની બે-ત્રણ મિનિટમાં ફાયરિંગ થયું. પછી થોડીકવાર એકદમ શાંતિ થઇ ગઇ અને ફરીથી બધાને અચાનક ગોળીઓ વાગવા માંડી. એમાં મારા ફુઆ અને મારા ફોઇના છોકરા સ્મિતને ગોળીઓ વાગી ગઇ, અત્યારે તેઓ નથી રહ્યા..
મેં મારો અને મારા ફોઇનો બચાવ કર્યો' પોતાના બચાવ અંગે સાર્થક વધુમાં કહે છે, મેં મારો બચાવ મારી જાતે કર્યો, મારા ફોઇને પણ મેં બચાવ્યાં, તેમને હું ઘોડા ઉપર બેસાડીને નીચે લાવ્યો હતો. ત્યાં મોટું કારણ એ હતું કે ત્યાં ઘણા લોકો હતા, પણ કોઇ આર્મી જવાન નહોતા. ત્યાં ચારેબાજુથી ફાયરિંગ થતું હતું.
પતિ અને પુત્ર ગુમાવનારાં કાજલબેનનું હૈયાફાટ રુદન જ્યારે મુખ્યમંત્રી સાંત્વના આપવા આવ્યા ત્યારે પતિ અને પુત્ર ગુમાવનારાં કાજલબેનના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીની છવાઇ ગઇ હતી.
વિનુભાઇ ડાભી શ્રીનગરમાં સારવાર હેઠળ ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમનાં પત્ની કાજલબેન યતીશભાઇ અને પુત્ર સ્મિત યતીશભાઈ પણ સામેલ હતા, જેઓ મંગળવારના હુમલા બાદ ગુમ હતા. બુધવારે જ્યારે મૃતકોનું લિસ્ટ આવ્યું ત્યારે બંનેના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી હતી. ફાયરિંગની આ દુર્ઘટનામાં ભાવનગરના વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી હજી પણ શ્રીનગરમાં સારવાર હેઠળ છે.
પિતા હેર કટિંગ સલૂન ચલાવતા, પુત્ર અભ્યાસ કરતો ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર કાળિયાબીડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ સ્મિતની સ્કૂલમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ગઇકાલે (બુધવારે) સ્મિતની સ્કૂલ અડધો દિવસ બંધ રાખવામાં આવી હતી.