સાઉદી અરેબિયાએ તાજેતરમાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો અંગે એક મોટો નિર્ણય લીધો છે. સાઉદી વિદેશ મંત્રાલયે હજ પહેલા 14 દેશો પર કાયમી વિઝા પ્રતિબંધ લાદી દીધો છે. એક મોટો નિર્ણય લેતા સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો સામે મોટી કાર્યવાહી કરી છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ 14 દેશો માટે કામચલાઉ વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ હેઠળ ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે. જોકે જેમની પાસે ઉમરાહ વિઝા છે તેઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકે છે.
જે 14 દેશો પર આ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. આ કામચલાઉ પ્રતિબંધ પાછળના મુખ્ય કારણોમાં ગેરકાયદે રીતે હજમાં ભાગ લેવો અને વિઝા નિયમોનું ઉલ્લંઘન હોવાનું કહેવાય છે.
સાઉદી અરેબિયાએ આ નિર્ણય કેમ લીધો?
અગાઉ ઘણા લોકો ઉમરાહ અથવા અન્ય કોઈ હેતુ માટે મલ્ટીપલ એન્ટ્રી વિઝા લઈને સાઉદી અરેબિયા આવતા હતા, પરંતુ હજ સીઝન દરમિયાન ત્યાં રોકાતા હતા અને પરવાનગી વિના હજમાં ભાગ લેતા હતા. આના કારણે ભીડ અને સુરક્ષા સમસ્યાઓ ઊભી થઈ. આ ઉપરાંત કેટલાક લોકો બિઝનેસ અને ફેમિલી વિઝા પર ત્યાં જતા હતા અને ગેરકાયદે રીતે કામ કરવાનું શરૂ કરતા હતા, જેના કારણે સાઉદી અરેબિયાની લેબર સીસ્ટમ ખોરવાઈ ગઈ હતી.
સાઉદી વિદેશ મંત્રાલયે શું કહ્યુ
સાઉદી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે હજ માટે આવતા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તમામ અસરગ્રસ્ત મુસાફરોને આ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના દંડથી બચી શકાય. આ સાથે અધિકારીઓએએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિઝા પ્રતિબંધ છતાં જે લોકો સાઉદી અરેબિયામાં ગેરકાયદે રીતે રહે છે તેમને આગામી પાંચ વર્ષ સુધી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હજ માટે ડિજિટલ માર્ગદર્શિકા જારી
હજ અને ઉમરાહ મંત્રાલયે તાજેતરમાં 16 ભાષાઓમાં ડિજિટલ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં ઉર્દૂ, અંગ્રેજી, અરબી, ટર્કિશ, ફ્રેન્ચ, ફારસી અને ઇન્ડોનેશિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આ માર્ગદર્શિકા પીડીએફ અને ઑડિઓ ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને મંત્રાલયની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેનો હેતુ વિવિધ દેશોમાંથી આવતા યાત્રાળુઓને હજના નિયમો અને પ્રક્રિયાઓ વિશે વધુ સારી માહિતી પૂરી પાડવાનો છે.