Sunday, 25 May 2025

માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું:સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, સરકારી જમીન પર દબાણ કર્યું હતું

માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું:સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, સરકારી જમીન પર દબાણ કર્યું હતું
સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. કુખ્યાત સજ્જુ પર ખડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું.

સરકારી જમીન પર 250 સ્ક્વેર મીટરના દબાણ પર કાર્યવાહી નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રે આજે મોટા પગલાં ભરતાં ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગૂજસીટોકના આરોપી માથાભારે સંજુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નાનપુરા વિસ્તારમાં ઝમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી.

જેલમાં રહી પણ ભાડેથી દુકાનો આપી થઇ રહી હતી કમાણી તંત્રના અહેવાલ પ્રમાણે, સંજુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઉભી કરી હતી. આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7,000થી 15,000 સુધીની આવક મેળવાતી હતી. દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતાં હતાં. જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો.

દુકાનમાંથી સામાન કાઢવા દોડાદોડી પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ-સામાન કાઢવા દોડાદોડી કરી હતી. ઈતર અને પ્રફ્યુમ, ડબ્બાઓ, ભંગારના પોટલાં, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા. જો કે, તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું.

સરકારી જમીન પર દબાણ કરી કમાણી કરતો સંજુ કોઠારી પોલીસ રેકોર્ડમાં પહેલાથી માથાભારે સંજુ કોઠારી નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ 30 જેટલા કેસ નોંધાયા છે. હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે. આ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ પણ સંજુ કોઠારીની અન્ય મિલકતો અને મિલકતના સ્ત્રોતોની તપાસ કરશે.