ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળી રહ્યું છે, જે હવે કોઈ નવી વાત નથી. રાજ્યની સરકારી શાળાઓમાં 40,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, 42,000 ઓરડાઓની ઘટ છે, અને 2,936 શાળાઓ એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. ભાજપ સરકારના શાસનમાં 5,612 શાળાઓ બંધ થઈ ગઈ છે, એમ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ વડોદરામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું.
તેમણે ઉમેર્યું કે, ધોરણ 1 થી 5માં 45 લાખ વિદ્યાર્થીઓ છે, પરંતુ માધ્યમિકમાં આ સંખ્યા ઘટીને 17 લાખ અને ઉચ્ચતર માધ્યમિકમાં માત્ર 10 લાખ થઈ જાય છે. ભાજપ સરકાર શિક્ષણને બિનઉત્પાદક ખર્ચ ગણે છે અને ખાનગીકરણ દ્વારા સરકારી શિક્ષણ વ્યવસ્થાને તોડી રહી છે. સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં 45 થી 65 ટકા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે. જિકાસ પોર્ટલની ગરબડને કારણે હજારો બેઠકો ખાલી રહે છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે. એમ.એસ. યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસી નિયમોની અવગણના કરીને વાઈસ ચાન્સેલરની નિમણૂકો થઈ રહી છે.
ડો. મનિષ દોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાતના લોકોને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ માટે કોંગ્રેસે "શિક્ષણ બચાવો" અભિયાન શરૂ કર્યું છે, જે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે સંઘર્ષ કરશે.