અમરેલી જિલ્લાના કેળા ઉત્પાદક ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. સરકારના "ખેડૂતોની આવક બમણી કરવા"ના દાવા હવા હવાઈ સાબિત થયા છે. એક વીઘા કેળાની ખેતીમાં રૂ. 50,000થી રૂ. 60,000નો ખર્ચ થાય છે, પરંતુ ખેડૂતોને મળે છે માત્ર રૂ. 1 પ્રતિ કિલોનો ભાવ. સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં 150-200 વીઘામાં કેળાની ખેતી થાય છે. રોપાનો ખર્ચ રૂ. 17, મોંઘા ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ ઉમેરાતાં ખેડૂતોની મહેનત નિષ્ફળ જાય છે, કારણ કે તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી. આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતો પાસેથી રૂ. 1માં ખરીદાતા કેળા બજારમાં રૂ. 50-60 પ્રતિ ડઝન વેચાય છે, જેમાં કમિશન એજન્ટો મોટી કમાણી કરે છે, જ્યારે ખેડૂતોને કંઈ મળતું નથી.
ખેડૂતો શૈલેષભાઈ શેલડીયા, નૈમિષ ઠાકર અને ભાવેશ ચંદગઢીયાએ સરકાર પર રોષ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે કમિશન એજન્ટો સામે કડક કાર્યવાહી થાય. તેમનું કહેવું છે કે સરકારનો આવક બમણી કરવાનો દાવો ખોટો સાબિત થયો છે, કારણ કે તેમને એક ગણી આવક પણ મળતી નથી. ખેડૂતોને આશા છે કે સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં ભરશે અને તેમને ન્યાય મળશે.