સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. બાળક તેના માતા-પિતા સાથે હોટલમાં જમવા આવ્યું હતું, પરંતુ રમતા-રમતા તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. પ્રાપ્ત માહિતી અનુસાર, વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે યુફોરિયા હોટલમાં જમવા ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે 'પાણીવાળી હોટલ' તરીકે જાણીતી છે. જમતી વખતે ક્રિસીવ રમતા-રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો અને અચાનક વોટર પોન્ડમાં પડી ગયો. આસપાસના લોકોનું ધ્યાન ન જતાં બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું. બાદમાં બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી, અને તેમણે તરત જ હોટલના સ્ટાફ અને બાળકના માતા-પિતાને જાણ કરી. બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયું, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. નાનકડા ક્રિસીવના અચાનક અવસાનથી તેના માતા-પિતા ગહન દુ:ખમાં ડૂબી ગયા છે. આ ઘટના હોટલોમાં સલામતીના પગલાં અને બાળકોની દેખરેખની જરૂરિયાતને ઉજાગર કરે છે.
એસ.બી.નાયાણી