ભાગેડુ ઉદ્યોગપતિ અને આર્થિક અપરાધી વિજય માલ્યાએ ભારતીય બેંકોની ટીકા કરી છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ભારતીય બેંકોએ મારી સંપત્તિ વેચીને તમામ નાણાં વસૂલ કરી લીધા હોવા છતાં પણ તે આજે પણ મારી પાસેથી નાણા માંગી રહ્યાં છે. આ અંગે ભારતનાં નાણા મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે તેમ છતાં ભારતીય બેંકો મારી પાછળ પડી ગઇ છે.
વિજય માલ્યાએ આ માંગ અને સતત ચાલી રહેલ કાયદાકીય પ્રક્રિયાઓથી બચવા માટે ભારતમાં જ આ કેસોનો નિકાલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
માલ્યાએ એક્સ પર લખ્યું છે કે ભારતની સરકારી બેંકો માટે મારી પાસે ગેરંટી સ્વરૃપે નાણાંની માંગ કરી રહ્યાં છે તેમને શરમ આવવી જોઇએ. આ બેંકોએ આજ સુધી વસૂલાતનો સાચો રિપોર્ટ જ આપ્યો નથી.
બીજી તરફ ભારતના કેન્દ્રીય નાણાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી સરકારી બેંકોને ૧૪,૧૦૦ કરોડ રૃપિયા પરત મળી ગયા છે.
માલ્યાએ વધુમાં જણાવ્યું છે કે હું ઇંગ્લેન્ડ કાયદાકીય કાર્યવાહી કરીશ નહીં જ્યાં સુધી ભારતીય બેંકો પોતે સુઘડ અને સ્વચ્છ થઇ જતી નથી. મારી પાસે એક સારો પ્રસ્તાવ છે કે આ કેસોનો ભારતમાં જ નિકાલ કરવામાં આવે.
આ અગાઉ સોમવારે વિજય માલ્યાએ છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોમાં સુનાવણી પહેલા જ બ્રિટનની કોર્ટમાંથી નાદારીના આદેશને રદ કરવાની માંગ કરતી પોતાની અરજી પરત લઇ લીધી હતી.