બ્રિટનમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને કામદારો પર સરકારની સખત કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં સરીમાં આવેલા કેમ્પ્ટન પાર્ક માર્કેટ (જે ક્રિસમસ માર્કેટ તરીકે જાણીતું છે)માં હાથ ધરવામાં આવેલી મોટી રેઇડમાં ભારતીયો સહિત કુલ 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હોમ ઓફિસની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમ, સરી પોલીસ અને સાઉથ ઈસ્ટ રિજનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટના સંયુક્ત પ્રયાસથી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના ગત 11 ડિસેમ્બરે બની હતી, જ્યારે માર્કેટમાંથી 9 પુરુષોની ધરપકડ કરવામાં આવી. આમાં ભારતીય, ઈરાકી અને ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. વધુમાં, નજીકના રહેણાંક વિસ્તારમાંથી બે વધુ ભારતીય નાગરિકોને પકડવામાં આવ્યા હતા. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર, આ તમામ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે કામ કરતા હોવાના આરોપ હેઠળ ધરપકડ કરાયા છે.
ધરપકડ કરાયેલા 11માંથી 5 વ્યક્તિઓને દેશનિકાલ (ડિપોર્ટેશન)ની કાર્યવાહી માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના 6ને ઇમિગ્રેશન બેલ પર મુક્ત કરવામાં આવ્યા છે. આ લોકોએ હોમ ઓફિસ સમક્ષ નિયમિત રીતે હાજર થવું પડશે. અરેસ્ટ કરાયેલાઓના નામ કે વધુ વ્યક્તિગત વિગતો જાહેર કરવામાં આવી નથી.
હોમ ઓફિસના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્ટર સેમ મલ્હોત્રાએ આ મામલે કહ્યું કે, "ઇમિગ્રેશન નિયમોનો ભંગ કરનારાઓ માટે કોઈ છુપાવાનું સ્થાન નથી. અમે દિવસ-રાત કામ કરીએ છીએ અને જેને પણ ગેરકાયદેસર કામ કરતા મળશે, તેને પકડીને દેશમાંથી કાઢી મૂકીશું." તેમણે ઉમેર્યું કે, આ પ્રકારની કાર્યવાહીઓ સમગ્ર બ્રિટનમાં રેકોર્ડ સ્તરે ચાલી રહી છે.
આ ઘટના બ્રિટન સરકારની વ્યાપક ઇમિગ્રેશન ક્રેકડાઉનનો ભાગ છે. ઓક્ટોબર 2024થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 11,000થી વધુ રેઇડમાં 8,000થી વધુ ગેરકાયદેસર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ગેરકાયદેસર કામદારો સ્થાનિક મજૂરોના હક્કોને અસર કરે છે અને ઇમિગ્રેશન નિયમોનો ભંગ કરે છે.
આ કાર્યવાહીથી ભારતીય સમુદાયમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તાજેતરના સમયમાં ઘણા ભારતીયો આવી રેઇડમાં પકડાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે બ્રિટનમાં વૈધાનિક રીતે રહેવું અને કામ કરવું હવે વધુ મુશ્કેલ બની રહ્યું છે.
સજ્જાદ અલી નાયાણી ✍