છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાઘોડા ફળીયામાં આવેલી આંગણવાડીના દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય. એક તરફ ગુજરાત સરકાર 'સ્માર્ટ ક્લાસરૂમ', 'હાઈટેક શિક્ષણ' અને 'મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ' જેવા મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારના આ માસૂમ બાળકો કાચા, જર્જરિત મકાનમાં બેસીને ભણવા મજબૂર છે – જે ગમે તે વખતે ધરાશાયી થઈને મોટી દુર્ઘટના સર્જી શકે છે.
આ આંગણવાડીનું બાંધકામ વર્ષ 2011માં મંજૂર થયું હતું અને 2012માં કામગીરી શરૂ થઈ. પરંતુ આજે 2025માં પણ – પૂરા 13 વર્ષ વીતી ગયા પછી – આ કામ માત્ર 80% જ પૂર્ણ થયું છે! અધિકારીઓ પોતે કબૂલે છે કે હજુ 20% કામ બાકી છે, જેમાં રંગરોગાન, બારી-બારણાં અને અન્ય પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે તો તેઓ માત્ર એટલું જ કહે છે કે "કામગીરી ચાલુ છે." સવાલ એ છે કે એક નાનકડી આંગણવાડી બનાવવામાં આખો યુગ કેમ લાગી જાય?
આ તો માત્ર એક ઉદાહરણ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હજારો આંગણવાડીઓ જર્જરિત અવસ્થામાં ચાલે છે અથવા તો કાચા મકાનોમાંથી સંચાલિત થાય છે. તંત્રની બેદરકારી એટલી કે જ્યારે કોઈ મંત્રી કે નેતાની મુલાકાત આવે ત્યારે રોડ, ખાડા અને કચેરીઓને રોકેટની ગતિએ ઝળહળતી બનાવી દેવામાં આવે, પરંતુ દેશના ભવિષ્ય એવા આદિવાસી બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે કાચબાની ગતિ પણ નથી!
શું આદિવાસી વિસ્તારો ગુજરાતના નથી? શું અહીંના બાળકો ઇન્સાન નથી? વિકાસના ચમકદાર આંકડા અને જાહેરાતો પાછળ છુપાયેલી આ વરવી વાસ્તવિકતા તંત્રની સંવેદનહીનતા અને પ્રાથમિકતાઓની ખોટી ગણતરી છતી કરે છે. સમયની માંગ છે કે સરકાર તાત્કાલિક આવી અધૂરી યોજનાઓ પૂર્ણ કરે અને આદિવાસી બાળકોને સુરક્ષિત, આધુનિક શિક્ષણનો અધિકાર આપે. નહીં તો આ માસૂમોની આંખોમાંથી ઝરતા આંસુ એક દિવસ મોટો પ્રશ્ન બનીને સામે આવશે.
સજ્જાદ અલી નાયાણી ✍🏼