Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 11 December 2025

વાડે ચિભડા ગળ્યા: ચોટીલાના ફોરેસ્ટરે જ સરકારી જમીન પર ઊભું કર્યું લાખોનું ગોડાઉન, 48 હજાર ઠંડા પીણાની બોટલો સાથે તંત્રનો દબાણ!

વાડે ચિભડા ગળ્યા: ચોટીલાના ફોરેસ્ટરે જ સરકારી જમીન પર ઊભું કર્યું લાખોનું ગોડાઉન, 48 હજાર ઠંડા પીણાની બોટલો સાથે તંત્રનો દબાણ!
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં સરકારી હોસ્પિટલની સામેની કિંમતી જમીન પર ગેરકાયદે ધમધમતું ઠંડા પીણાનું ગોડાઉન ઝડપાયું છે. આખા કૌભાંડની સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, આ ગેરકાયદેસર બાંધકામ અને ધંધો કરાવનાર કોઈ બહારની વ્યક્તિ નહીં, પણ ચોટીલા વન વિભાગના જ ફોરેસ્ટર ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે!

 ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને બાતમી મળતાં જ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી. મામલતદાર અને સર્કલ ઓફિસર સાથે રેકી કરતાં જાણવા મળ્યું કે, આશરે 2500 ચો.મી.ની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને 500 ચો.મી.માં પાકું ગોડાઉન તથા બાકીની જગ્યામાં ગાયોનો તબેલો ઊભો કરવામાં આવ્યો હતો.

 તંત્રની ટીમે સ્થળ પરથી 42,000 પાણીની બોટલો અને 6,000 કોલ્ડડ્રિંક્સની બોટલો મળી કુલ 48,000 બોટલો (અંદાજિત કિંમત રૂ. 11.40 લાખ) જપ્ત કરી ગોડાઉનને સીલ મારી દીધું. 

જે વ્યક્તિ ગોડાઉન ચલાવતો હતો એ રોહનભાઈ આચાર્ય પાસેથી ફોરેસ્ટર ભરતભાઈ દર મહિને રૂ. 12,000 ભાડું વસૂલતા હોવાનું પણ સામે આવ્યું છે. એટલે કે, સરકારી જમીનનો દુરુપયોગ કરીને ખાનગી ખિસ્સું ભરવાનો આખો ગોરખધંધો ચાલતો હતો. 

આ ગંભીર બાબતની જાણ થતાં ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા, ખોદકામની રકમ વસૂલવા તેમજ જવાબદાર ફોરેસ્ટર ભરતભાઈ ખાચર સહિત સંડોવાયેલા તમામ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા ચોટીલા મામલતદારને સૂચના આપી છે. 

જે વિભાગનો કર્મચારી જ જમીન બચાવવાને બદલે જમીન હડપ કરે, ત્યાં સામાન્ય નાગરિકની જમીન કેટલી સુરક્ષિત ગણીશું? ચોટીલાના આ કૌભાંડે ફરી એકવાર તંત્રની ઊંઘ પર પ્રશ્ન ઊભા કરી દીધા છે.