રાજકોટ: સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરીને લગ્નની લાલચ આપી એક 15 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને ચોટીલા લઈ જઈને પરત ફરતી વખતે ચાલુ બસમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભક્તિનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 19 વર્ષીય આરોપી ગૌરવ ટાંકની ધરપકડ કરી લીધી છે.
આ ચોંકાવનારી ઘટના રાજકોટના ભક્તિનગર વિસ્તારની છે. ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ડીજે સર્વિસનો વેપાર કરતા ગૌરવ ટાંક સાથે મિત્રતા કરી બેઠી હતી. ગૌરવે તેને લગ્ન કરવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી લીધી. એક દિવસ સગીરા ઘરેથી ગાયબ થઈ ગઈ. પરિવારજનોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ગૌરવ સાથે ચોટીલા ગઈ હતી.
સગીરાના 47 વર્ષીય પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી સવારે ઘરેથી ગુમ થઈ ગઈ. આઠમી તારીખે જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના કહી સંભળાવી. ગૌરવે તેને મોટરસાઈકલ પર બેસાડીને ભક્તિનગર સર્કલથી ચોટીલા લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરત ફરતી બસમાં તેણે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. સગીરાએ વાંધો ઉઠાવ્યો તો પણ આરોપીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો.
આ ઘટના જાણીને પરિવાર આઘાતમાં છે. સગીરાના પિતાએ તાત્કાલિક ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)(M), 65(1) તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધીને આરોપી ગૌરવ ટાંકને ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના દુરુપયોગ અને કિશોરવયની છોકરીઓની સુરક્ષા પર પ્રશ્ન ઉભા કર્યા છે. માતા-પિતાને અપીલ છે કે તેઓ પોતાના બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર નજર રાખે અને અજાણ્યા લોકો સાથેની મિત્રતાથી સાવધાન રહે.
આવી ઘટનાઓથી સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપી પકડાયો છે, પરંતુ આવા નરાધમો સામે કડક સજાની માંગ ઉઠી રહી છે.
સજ્જાદ અલી નાયાણી✍