ગુજરાતમાં આંતરજાતીય લગ્ન અને સામાજિક બહિષ્કારનો મુદ્દો ફરી ગરમાયો છે. તાજેતરમાં લોકગાયિકા કિંજલ દવેની આંતરજાતીય સગાઈ બાદ બ્રહ્મ સમાજ દ્વારા તેમના પરિવારના સામાજિક બહિષ્કારના નિર્ણયે વિવાદ ઊભો કર્યો હતો. આ મુદ્દે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજની સભામાં આકરું નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કિંજલ દવેના બહિષ્કારનો ઉલ્લેખ કરી ટકોર દેડિયાપાડા વિધાનસભાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક ગામના સરપંચો સાથેની સભામાં કિંજલ દવેના કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "થોડા દિવસ પહેલા કિંજલ દવે નામની આપણી કલાકાર બહેનની સગાઈ શાહ પરિવારમાં થઈ તો બ્રહ્મ સમાજે આખા પરિવારને સમાજમાંથી બહાર કાઢી દીધો. જોયું ને તમે? આજે આદિવાસી સમાજની દીકરીઓને તમામ સમાજના લોકો લઈ જાય છે – સૌરાષ્ટ્રમાં, બીજા રાજ્યોમાં, બધા ગામોમાંથી. પણ આપણા ભણેલા-ગણેલા છોકરાઓને જ્યારે પરણવું હોય તો બીજી જાતિના લોકો કોઈ દીકરી આપે છે?"
એક દાખલો આપીને સમાનતાની વાત વસાવાએ વધુમાં એક ઘટનાનો દાખલો આપ્યો: "વિદ્યાનગરથી એક બહેનને એક ભાઈ લઈ આવ્યો તો કેટલી પોલીસ ઉતારી દીધી! લોકો બોલ્યા કે અમારી છોકરીને મારી નાખીશું પણ આદિવાસીને નહીં આપીએ. UCCની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, પણ અમારા લોકો સાથે તો કોઈ રોટી-બેટીનો વ્યવહાર કરતું નથી." ચૈતર વસાવાએ બ્રહ્મ સમાજની કડકાઈની તુલના આદિવાસી સમાજ સાથે કરીને કહ્યું કે "આપણે પણ શીખ લેવાની જરૂર છે." તેમનું આ નિવેદન આદિવાસી સમાજમાં આંતરજાતીય લગ્નના મુદ્દે ચર્ચા છેડી ગયું છે.
: સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોરનો વિરોધ આ સભા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના પ્રસ્તાવિત ગ્રીન કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં યોજાઈ હતી. આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારોમાં જમીન અને જંગલો પ્રભાવિત થવાની ભીતિ છે. ચૈતર વસાવા આ પ્રોજેક્ટના મુખ્ય વિરોધીઓમાં છે અને તેમણે આ મુદ્દે આદિવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ નિવેદનથી આદિવાસી સમાજમાં આંતરજાતીય લગ્ન અને સામાજિક સમાનતાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઘણા આદિવાસીઓ તેને સમાજની વાસ્તવિકતા ગણાવે છે, તો કેટલાક તેને વિવાદાસ્પદ માને છે. વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને રાજકીય ચર્ચા ગરમાવી રહ્યો છે.
સજ્જાદ અલી નાયાણી✍