ભોપાલ. મધ્યપ્રદેશના રાજકારણમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેને લોકો ભાજપ-કોંગ્રેસનું 'ગઠબંધન' કહીને મજાક ઉડાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કૈલાશ જોશીના પુત્ર અને ભાજપના પૂર્વ મંત્રી ૬૩ વર્ષીય દીપક જોશીએ કોંગ્રેસની મહિલા નેતા ૪૩ વર્ષીય પલ્લવી રાજ સક્સેના સાથે લગ્ન કર્યા હોવાની અટકળો વચ્ચે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મળતી માહિતી અનુસાર, આ લગ્ન ૪ ડિસેમ્બરના રોજ આર્ય સમાજ મંદિરમાં સાદા સમારોહમાં યોજાયા હતા. વાયરલ તસવીરોમાં દીપક જોશી પલ્લવીના માથામાં સિંદૂર ભરતા દેખાઈ રહ્યા છે. પલ્લવીએ શરૂઆતમાં આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, પરંતુ બાદમાં ડિલીટ કરી દીધી. જોકે, કોંગ્રેસ નેતા બૃજેન્દ્ર શુક્લાએ આ તસવીરો શેર કરીને દીપક જોશીને અભિનંદન આપ્યા, જેના પછી આ મામલો વાયરલ થયો.
દીપક જોશીના અંગત જીવનને લઈને અગાઉ પણ ચર્ચાઓ થઈ ચૂકી છે. તેમની પ્રથમ પત્ની વિજયાનું ૨૦૨૧માં કોરોનાના કારણે નિધન થયું હતું. ત્યાર પછી નમ્રતા જોશી અને શિખા જોશી (મિત્રા)એ દીપકને પોતાના પતિ ગણાવ્યા હતા, જેના કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યા છે. નમ્રતાએ દાવો કર્યો છે કે તે દીપકની પત્ની છે અને તેમની સાથે રહે છે, જ્યારે શિખાએ ૨૦૧૬માં લગ્નનો દાવો કર્યો હતો. હવે પલ્લવી સાથેના લગ્નની અટકળોએ નવી ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો પર પ્રતિક્રિયા આપતાં દીપક જોશીએ કહ્યું કે, તેમના પરિવારની સામાજિક અને પારિવારિક પ્રતિષ્ઠા ખૂબ ઊંચી છે. ચર્ચામાં આવેલી બે મહિલાઓમાંથી એકે લગ્નનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે, અને કેટલાક મામલા કોર્ટમાં ચાલી રહ્યા છે, તેથી જાહેરમાં પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.
જોશીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરીને કહ્યું, 'આપણાથી ભૂલો થઈ છે, પરંતુ વિશ્વાસઘાત નથી કર્યો. જો ભૂલ હોય તો પ્રાયશ્ચિત પણ છે. જો હું દોષી હોઈશ તો ભારતીય કાયદો મને દોષી ઠેરવશે, અને જો નિર્દોષ હોઈશ તો કોર્ટ રાહત આપશે.'
આ ઘટનાએ મધ્યપ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેનું આ 'અંગત ગઠબંધન' સોશિયલ મીડિયા પર મીમ્સ અને મજાકનો વિષય બન્યું છે.
સજ્જાદ અલી નાયાણી✍