અમદાવાદ: ગુજરાતની પ્રખ્યાત ગરબા ક્વીન કિંજલ દવે હાલ આંતરજ્ઞાતીય સગાઈને કારણે મોટા વિવાદમાં ફસાઈ છે. કિંજલે બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ સાથે 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બ્રાહ્મણ સમાજના એક વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો. પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં કિંજલ અને તેના પરિવારનો આજીવન સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો, જેના કારણે આ મુદ્દો ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ વિવાદ વચ્ચે કિંજલ દવેએ પહેલા સોશિયલ મીડિયા પર લાઇવ આવીને વિરોધીઓને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેણે ભાવુક અંદાજમાં કહ્યું કે, "મારા પિતાના સ્વાભિમાનની વાત આવે ત્યારે એક દીકરી તરીકે હું ચૂપ નહીં રહી શકું." કિંજલે વધુમાં જણાવ્યું કે આધુનિક યુગમાં પણ કેટલાક લોકો દીકરીઓની પાંખો કાપવાના પ્રયાસ કરી રહ્યા છે. "શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે દીકરીએ પોતાનો જીવનસાથી કોને બનાવવો?" તેણે કહ્યું કે આવા તત્વોને સમાજમાંથી દૂર કરવાની જરૂર છે. કિંજલને આ મુદ્દે અનેક જાણીતી હસ્તીઓ અને લોકોનો ટેકો મળ્યો છે.
હવે આ વિવાદમાં કિંજલના પિતા લલિત દવે પણ મેદાનમાં આવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક સૂચક પોસ્ટ મૂકીને વિરોધીઓને જવાબ આપ્યો છે. લલિત દવેએ લખ્યું: "અમને કોઈની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ જે લોકો અમારા લાયક નથી તેમણે અમારાથી દૂર રહેવું જોઈએ. અમે અમારી પોતાની દુનિયામાં મસ્ત છીએ અને અમારે કોઈના ‘સર્ટિફિકેટ’ની જરૂર નથી." આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે લલિત દવે પુત્રીના નિર્ણય સાથે મક્કમ છે અને સામાજિક દબાણને વશ થવાના નથી.
આ મુદ્દો માત્ર બ્રાહ્મણ-જૈન વિવાહ સુધી મર્યાદિત નથી, પરંતુ તે આંતરજ્ઞાતીય લગ્નો અને વ્યક્તિગત સ્વતંત્રતા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. એક તરફ સમાજના કેટલાક આગેવાનો પોતાના નિયમોનું પાલન કરાવવા મક્કમ છે, તો બીજી તરફ કિંજલ અને તેના પરિવારને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. લોકોનું માનવું છે કે દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો પૂરો અધિકાર છે અને જ્ઞાતિના નામે બહિષ્કાર અન્યાય છે.
આ વિવાદે ગુજરાતમાં જ્ઞાતિવાદ અને આધુનિકતા વચ્ચેની ખેંચતાણને ફરી એકવાર ઉજાગર કરી છે. કિંજલ દવેના ચાહકો તેમની હિંમતની વાહવાહ કરી રહ્યા છે, જ્યારે આ મામલો હજુ વધુ વકરવાની શક્યતા છે.
સજ્જાદ અલી નાયાણી✍