નવસારી, તા. ૩ ડિસેમ્બર: નાનકડા નવસારી શહેરમાં આ દિવસોમાં એક જ પ્રેમ કિસ્સાની ચર્ચા છે – ભાજપના ઈશ્કમિજાજી હોદ્દેદાર અને સરકારી મહિલા અધિકારી વચ્ચેનું જોરદાર ઈલુ-ઈલુ! બંનેના પ્રેમની આગ એટલી બધી ભભૂકી ઉઠી છે કે પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી ગઈ છે અને આખું શહેર ગપસપમાં ગરકાવ થઈ ગયું છે.
આ અધિકારી મેડમનો પરિવાર સુખી-સંપન્ન છે. પતિ બેંક મેનેજર છે, બે સંતાનો છે, ઘર હરિયાળું-ભરિયાળું છે. છતાંય તેમનું દિલ ભાજપના એક પ્રખ્યાત હોદ્દેદાર પર આવી ગયું. કહેવાય છે કે બંને વચ્ચે એટલો બધો ગાઢ સંબંધ બંધાયો કે રાત-દિવસ ફોન પર ચેટિંગ, મુલાકાતો અને મીઠી-મીઠી વાતો ચાલતી રહેતી હતી.
પરંતુ પ્રેમની આ આગ જ્યારે ઘર સુધી પહોંચી ત્યારે વાત બગડી. મહિલાના સાસુએ – એક વૃદ્ધ માતાએ – પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ કરી દીધી કે, “મારી પુત્રવધુ ભાજપના આ હોદ્દેદારના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. એ બંને મળીને મારા દીકરાને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે.” ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે પુત્રવધુની આ કરતૂતોને કારણે તેમનો દીકરો હવે ડિપ્રેશનની દવાઓ લેવા લાગ્યો છે અને સમાજમાં મોં બતાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, થોડા મહિના પહેલા જ આ મહિલા અધિકારીને હાઈવે પર ભાજપ હોદ્દેદારની કારમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તે ઘટના પછી પણ વાત દબાવી દેવામાં આવી હતી, પરંતુ આ વખતે વૃદ્ધ માતાની ફરિયાદથી બધું જ ખુલ્લું થઈ ગયું.
ફરિયાદ બાદ સામાજિક આગેવાનોની બેઠકો યોજાઈ, જેમાં ચેટના સ્ક્રીનશોટ પણ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ બેઠકોમાં ભાજપના ઈશ્કમિજાજી હોદ્દેદાર ગાયબ રહ્યા, જ્યારે મહિલા અધિકારીએ અચાનક લાંબી રજા પર જતાં રહ્યાના સમાચાર છે.
હાલ નવસારીના ચાના ગલ્લાથી લઈને રાજકીય ઓરડાઓ સુધી એક જ ચર્ચા છે – “આટલું બધું હોવા છતાં પણ પ્રેમ નહીં છોડે?” લોકો કહે છે કે પ્રેમ અંધો હોય છે, પરંતુ જ્યારે તે પરિવાર તોડે અને સમાજમાં બદનામી લાવે ત્યારે તે પ્રેમ નહીં, પાગલપન કહેવાય.