Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 26 December 2025

દાદાનું બુલડોઝર હવે આંગણે: ખુશીના દિવસો ગયા, રોવાનો વારો આવ્યો!

દાદાનું બુલડોઝર હવે આંગણે: ખુશીના દિવસો ગયા, રોવાનો વારો આવ્યો!
સજ્જાદ અલી નયાણી✍🏼ફ્રાઈડે વર્લ્ડ 27 ડિસેમ્બર ૨૦૨૫
જ્યારે કોઈના ઘર પર બુલડોઝર ચાલતું હતું ત્યારે કેટલાક મોઢે ખડું હસતા હતા – “દાદાનું બુલડોઝર ચાલ્યું!” એ નારો લગાવતા હતા. આજે એ જ બુલડોઝર તેમના આંગણે ઊભું છે. હવે રોવાનો વારો આવ્યો છે.

 હવે નિયમો યાદ આવ્યા છે. હવે સમજાય છે કે ગેરકાયદેસર કાર્યવાહીની તરફેણ કરવી એ પોતાના દરવાજે દુઃખનું આમંત્રણ આપવા જેવું છે. સત્તાને કોઈ ધર્મ નથી. સત્તા આજે એશો-આરામ માટે વપરાય છે, પણ તેનો મૂળ હેતુ તો નાગરિકની સુખાકારી હોવો જોઈએ. પણ જ્યારે બુલડોઝર ચાલે છે ત્યારે એ સુખાકારી ક્યાં દેખાય છે? સૌથી મોટો સવાલ આ છે: 

જો ઘર ગેરકાયદેસર હતું તો શરૂઆતમાં જ કેમ ન રોક્યું?
 પ્લોટિંગ થતી હતી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી 
– બધા ક્યાં ગયા હતા? ઈંટ પર ઈંટ ચઢતી હતી ત્યારે નોટિસ કેમ ન આવી? વર્ષો સુધી વીજળીનું કનેક્શન, પાણીનું કનેક્શન, રસ્તા, ટેક્સ વસૂલાત, ચૂંટણીમાં વોટ – બધું ચાલ્યું. 
તો પછી એ ઘર અચાનક “ગેરકાયદે” કેવી રીતે બની ગયું?

 આજે એ જ ઘરમાં રહેતા ગરીબ પરિવારોના બાળકો મોટા થયા, પોતાનું જીવન ગોઠવ્યું, પણ એક દિવસ બુલડોઝર આવીને બધું તોડી નાખે છે. ભૂલ કોની છે? 

જે ગરીબે ઘર બનાવ્યું તેની, કે જે અધિકારીઓ-નેતાઓએ આંખ મીંચીને પરવાનગી આપી, લાંચ લીધી, મૌન રાખ્યું?

 જો તોડવું જ હોય તો પહેલા એ અધિકારીઓને જવાબદાર ઠેરવો, જેમણે નકલી મંજૂરી આપી. જેમણે નિયમો તોડીને કનેક્શન આપ્યા. બેઘર કરવું તો સહેલું છે, પણ જવાબદારી લેવી ખૂબ મુશ્કેલ.

 નિયમ-કાયદો ફક્ત ગરીબ માટે જ છે કે બધા માટે? આ માત્ર એક મકાન તોડવાની વાત નથી. આ તો સમગ્ર સિસ્ટમની નિષ્ફળતાની વાત છે. અને તેની સજા શા માટે હંમેશા સામાન્ય માણસ ભોગવે છે? 

જ્યારે કોઈના દુઃખ પર ખુશ થઈએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ – એ દુઃખ ક્યારેક આપણા આંગણે પણ આવી શકે છે. સત્તા આવે-જાય છે, પણ માનવતા અને ન્યાયના નિયમો ટકી રહેવા જોઈએ. નહીં તો આજે બીજાના ઘર તૂટે છે, કાલે આપણા આંગણે પણ બુલડોઝરનો અવાજ ગુંજશે. 
સજ્જાદ અલી નયાણી ✍🏼 
ફ્રાઈડે વર્લ્ડ 27 ડિસેમ્બર ૨૦૨૫