અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકન કોસ્ટ ગાર્ડે 20 ડિસેમ્બરે વેનેઝુએલાના દરિયાકાંઠેથી બીજા એક તેલ ટેન્કરને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જપ્ત કર્યું છે. આ કાર્યવાહી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'સંપૂર્ણ નાકાબંધી'ના આદેશ પછી થઈ છે, જેમાં વેનેઝુએલાના પ્રતિબંધિત તેલ ટેન્કરોને રોકવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઘટના પછી વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય ચાંચિયાગીરી અને લૂંટ છે. આ ગંભીર અપરાધ છે અને તેના માટે જવાબદારોને ન્યાય સમક્ષ જવાબ આપવો પડશે.' વેનેઝુએલા સરકારે આ મુદ્દાને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાની તૈયારી દર્શાવી છે.
બીજી તરફ, અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ કાર્યવાહીને વાજબી ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'યુએસ કોસ્ટ ગાર્ડે પેન્ટાગોનના સહયોગથી આ ઓપરેશન હાથ ધર્યું છે. આ ટેન્કરનો ઉપયોગ પ્રતિબંધિત તેલની હેરાફેરી માટે થતો હતો, જેનાથી મળતા પૈસાનો ઉપયોગ નાર્કો-ટેરરિઝમને ભંડોળ પૂરું પાડવા માટે થાય છે.'
આ પહેલાં 10 ડિસેમ્બરે અમેરિકાએ 'સ્કિપર' નામના એક ટેન્કરને જપ્ત કર્યો હતો, જેમાં લગભગ 18 લાખ બેરલ તેલ હતું. તે પછી ટ્રમ્પે વેનેઝુએલા પર 'પૂર્ણ અને વ્યાપક નાકાબંધી'ની જાહેરાત કરી હતી. આ કાર્યવાહીઓથી વેનેઝુએલાના તેલ નિકાસમાં ભારે ઘટાડો થયો છે અને અનેક ટેન્કરો દરિયામાં જ અટકી પડ્યા છે.
ટ્રમ્પની આ નીતિને વેનેઝુએલા 'દાદાગીરી' ગણાવી રહ્યું છે, જ્યારે અમેરિકા તેને પ્રતિબંધોના અમલ અને ડ્રગ્સ તસ્કરી સામેની લડાઈ તરીકે જુએ છે. આ તણાવ ક્યાં સુધી વધશે, તે જોવું રહ્યું.
સજ્જાદ અલી નાયાણી✍🏼