અમદાવાદ: ગુજરાત કેડરના 2008 બેચના IPS અધિકારી સારા અફઝલ અહેમદ રિઝવીની આંતર-રાજ્ય ડેપ્યુટેશનને કેન્દ્ર સરકારે વધુ બે વર્ષ માટે લંબાવી છે. સારા રિઝવી, જે ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી તરીકે જાણીતા છે, હાલ જમ્મુ-કાશ્મીર પોલીસમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. આ એક્સ્ટેન્શનથી તેઓ ઓક્ટોબર 2025 પછી પણ જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી શકશે.
સારા રિઝવી મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા છે. તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે અને શરૂઆતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. પરંતુ ડૉ. કે.એમ. આરિફના એક વ્યાખ્યાનથી પ્રભાવિત થઈને UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. ઉર્દુ માધ્યમથી તૈયારી કરી અને MESCOના સહયોગથી માત્ર બે પ્રયાસમાં સિવિલ સર્વિસીસમાં સફળતા મેળવી. આ સિદ્ધિએ તેમને ગુજરાતના પ્રથમ મુસ્લિમ મહિલા IPSનો દરજ્જો અપાવ્યો.
ગુજરાતમાં તેમનું પ્રથમ પોસ્ટિંગ જામનગરમાં થયું હતું, ત્યારબાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં ASP તરીકે ફરજ બજાવી. ગોંડલ તે સમયે ગેંગ વોર માટે કુખ્યાત હતું, તેમ છતાં તેમણે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. ઓક્ટોબર 2022માં વ્યક્તિગત કારણોસર જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટર-કેડર ડેપ્યુટેશન પર મોકલાયા હતા. અહીં તેમણે ઉધમપુર-રિયાસી રેન્જના DIG, DIG જમ્મુ (IR) અને DIG એડમિનિસ્ટ્રેશન જેવા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે.
સારા રિઝવીનો પરિવાર પણ શિક્ષિત છે. પિતા અફઝલ અહેમદ વિજ્ઞાન સ્નાતક છે, માતા નિગાર રિઝવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ભાઈ સિવિલ એન્જિનિયર અને બહેન કમ્પ્યુટર ગ્રેજ્યુએટ છે. 2008માં તેમણે RPFના અધિકારી મુન્નાવર ખાન સાથે લગ્ન કર્યા હતા.
એક ઇન્ટરવ્યુમાં સારા રિઝવીએ કહ્યું હતું કે, તેમને પોલીસનું કામ ખૂબ ગમે છે અને તેઓ ક્યારેય કંટાળતા નથી. મહિલા અધિકારી તરીકે તેઓ પોલીસ પ્રત્યેની લોકોની ધારણા બદલવા માંગે છે. તેમની આ સફર યુવા મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, ખાસ કરીને મુસ્લિમ સમાજની દીકરીઓ માટે.
સજ્જાદ અલી નાયાણી✍