Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 9 January 2026

સોમનાથ સ્વાભિમાન પર્વમાં 'નવ' (9) ના અંકનો દૈવી સંયોગ: શ્રદ્ધા અને શક્તિની સાથે સર્જાયો સંખ્યાનો પણ અદભૂત સંગમ

સોમનાથ સ્વાભિમાન પર્વમાં 'નવ' (9) ના અંકનો દૈવી સંયોગ: શ્રદ્ધા અને શક્તિની સાથે સર્જાયો સંખ્યાનો પણ અદભૂત સંગમ
મંત્રોચ્ચારનો સમય, અશ્વોની સંખ્યાથી લઈને દિવસોના સરવાળા સુધી બધું જ એક ચોક્કસ આધ્યાત્મિક લયમાં ગૂંથાયું

પ્રભાસ પાટણના આંગણે ઉજવાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ભક્તિની સાથે સાથે એક અત્યંત અદભૂત અને આધ્યાત્મિક સંયોગ પણ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવના આયોજનમાં 'નવ' (9) ના અંકનો જે અદભૂત સમન્વય રચાયો છે, તે શ્રદ્ધાળુઓમાં કુતૂહલ અને આસ્થાનો વિષય બન્યો છે. ભારતીય શાસ્ત્રોમાં '9' ના અંકને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, અને આ પર્વમાં તેની ઝલક ડગલે ને પગલે જોવા મળી રહી છે.

સંખ્યાશાસ્ત્ર અને ભક્તિનો સમન્વય: અંક '9' નું વર્ચસ્વ
સોમનાથના આ આયોજનમાં સમય અને તારીખનો મેળ કંઈક એવી રીતે બેઠો છે કે જેનો સરવાળો અંક '9' પર આવે છે:
 શુભારંભ: આ મહોત્સવની શરૂઆત 8/1 ના રોજ થઈ છે (8+1 = 9).
 અખંડ ઓમકાર જાપ: પર્વના પ્રારંભે સવારે 9 કલાક અને 9 મિનિટે અખંડ ઓમકાર જાપના મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા. આ સમયના અંકોનો સરવાળો પણ (9+9= 18, અને 1+8 = 9) થાય છે.
   
અવિરત ભક્તિ: આ ઓમકાર જાપ સતત 72 કલાક સુધી ચાલવાના છે, જેનો સરવાળો પણ (7+2 = 9) થાય છે.
આમ, સમગ્ર મહોત્સવ જાણે કે ગ્રહ નક્ષત્રો અને અંકોના શુભ સંયોગ સાથે આકાર લઈ રહ્યો હોય તેવું પ્રતીત થાય છે.

શૌર્ય યાત્રામાં 108 અશ્વોનું જોડાણ
સ્વાભિમાન પર્વના આકર્ષણમાં વધારો કરતા, આ મહોત્સવમાં યોજાનાર શૌર્ય યાત્રામાં પણ 108 અશ્વોની એક વિશાળ અને ભવ્ય યાત્રા નીકળશે. હિન્દુ સંસ્કૃતિમાં 108 નો અંક અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેનો સરવાળો પણ (1+0+8 = 9) થાય છે. અશ્વોને શક્તિ અને ગતિનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે આ યાત્રા સોમનાથની ગરિમા અને ભારતીય અસ્મિતાના વિજયનાદને ગુંજવશે.

સમગ્ર વાતાવરણ શિવમય
આ અદભૂત સંયોગો વચ્ચે સોમનાથ મંદિરનું પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે. એક તરફ સંખ્યાશાસ્ત્રનો વિજ્ઞાન અને બીજી તરફ ભક્તોની અતૂટ આસ્થા—આ બંનેના મિલનથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. આ પર્વ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ભારતના પુનર્જાગરણ અને આત્મગૌરવની અભિવ્યક્તિ બની રહ્યો છે.

વિરેન્દ્રસિંહ પરમાર✍🏼