-Friday World 30 Jun 2026
આ એક સવાલ છે જે દરેક સમજદાર ભારતીયના મનમાં ક્યારેક ને ક્યારેક ઊઠ્યો જ હશે. એ સવાલ સીધો છે, પણ તેનો જવાબ આપણી સામાજિક વ્યવસ્થાના પાયા હચમચાવી નાખે એવો છે.
એવું તે શું કરે છે કે 100 કરોડ મળે?
એક ફિલ્મ અભિનેતા 60 દિવસ શૂટિંગ કરે અને તેના બદલામાં 50 કે 100 કરોડ રૂપિયા લઈ જાય. બીજી તરફ દેશનો સર્વોચ્ચ વૈજ્ઞાનિક, જે ચંદ્રયાન મોકલે છે, તેની આખી જિંદગીની કમાણી માંડ 5-7 કરોડ થાય. AIIMS નો ટોપ સર્જન જે રોજ 10 જિંદગી બચાવે છે તે મહિને 2-3 લાખ કમાય છે. દેશના રાષ્ટ્રપતિનો વાર્ષિક પગાર 60 લાખની આસપાસ છે.
તો સવાલ સાચો છે: ફિલ્મી પડદા પર 3 કલાક રડવા-હસવાનું નાટક કરનાર વ્યક્તિનું યોગદાન એટલું મોટું કઈ રીતે થઈ ગયું કે તેને દેશના રાષ્ટ્રપતિ કરતાં 100 ગણી વધુ કિંમત ચૂકવવામાં આવે?
જવાબ અર્થશાસ્ત્રમાં છે, નૈતિકતામાં નહીં. અભિનેતા કોઈ વસ્તુ બનાવતો નથી. તે એક પ્રોડક્ટ વેચે છે: સપનું. અને આ સપનાના કરોડો ખરીદદારો છે. 140 કરોડના દેશમાં જો 10 કરોડ લોકો પણ 200 રૂપિયાની ટિકિટ લે, તો 2000 કરોડનો ધંધો થયો. તેમાંથી 100 કરોડ અભિનેતાને આપવા પ્રોડ્યુસરને પરવડે. વૈજ્ઞાનિકનું સપનું માત્ર લેબ પૂરતું સીમિત રહે છે. તેની "ટિકિટ" કોઈ ખરીદતું નથી.
ટોપર વિદ્યાર્થી ફિલ્મ લાઈન કેમ પસંદ કરે?
આ ઘટના નવી નથી. થોડા મહિના પહેલા એક યુવા અભિનેતાના અકાળ મૃત્યુ પછી ચર્ચા ચગી હતી કે IIT-IIM ના ટોપર છોકરા-છોકરીઓ એન્જિનિયરિંગ છોડીને એક્ટિંગ કેમ કરવા જાય છે. જવાબ સીધો છે: ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ.
4 વર્ષ એન્જિનિયરિંગ, 2 વર્ષ નોકરીની શોધ, પછી 10 લાખનું પેકેજ. તેની સામે એક વેબ સિરીઝ હિટ થાય તો રાતોરાત 5 કરોડ. સાથે મળે છે અખૂટ પ્રસિદ્ધિ, ગ્લેમર, અને પાવર. આપણા સમાજે સફળતાની વ્યાખ્યા જ બદલી નાખી છે. સફળ એટલે પૈસાદાર અને પ્રખ્યાત. વૈજ્ઞાનિક પ્રખ્યાત નથી હોતો. શિક્ષક પૈસાદાર નથી હોતો. એટલે યુવાનોનો આદર્શ આપોઆપ બદલાઈ જાય છે.
ત્રણ મોહજાળ: સિનેમા, ક્રિકેટ અને રાજકારણ
આજે ભારતના યુવાનોના ત્રણ સૌથી મોટા આદર્શ કયા ક્ષેત્રમાંથી આવે છે?
1. સિનેમા: જ્યાં ડ્રગ્સ, કાસ્ટિંગ કાઉચ અને વેશ્યાવૃત્તિના આરોપો સામાન્ય છે
2. ક્રિકેટ: જ્યાં મેચ ફિક્સિંગ, સટ્ટાબાજી અને ઓનલાઈન જુગારની જાહેરાતો ધૂમ મચાવે છે
3. રાજકારણ: જ્યાં ગુંડાગીરી, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ ખુલ્લેઆમ ચાલે છે
વિડંબના એ છે કે આ ત્રણેય ક્ષેત્રોની વિશ્વસનીયતા સૌથી ઓછી છે, છતાં આકર્ષણ સૌથી વધુ છે. કારણ? પૈસા અને પાવર. આ ત્રણેય ક્ષેત્રો "વેલ્યુ ક્રિએશન" નથી કરતા, "વેલ્યુ એન્કેશ" કરે છે. એટલે કે સમાજમાં પહેલેથી રહેલી ભાવનાઓ, જેમ કે મનોરંજનની ભૂખ, દેશભક્તિનો નશો, સત્તાની લાલસા, તેને રોકડમાં ફેરવી નાખે છે.
આપણે ક્યારે લૂંટાવાનું શરૂ કર્યું?
70 વર્ષ પહેલા પૃથ્વીરાજ કપૂર કે બલરાજ સાહની જેવા દિગ્ગજ કલાકારોને મહિને થોડા હજાર રૂપિયા મળતા. 40 વર્ષ પહેલા સુનીલ ગાવસ્કર જેવા લિજેન્ડ ક્રિકેટર ટેસ્ટ મેચની મેચ ફી માંડ 5000 રૂપિયા લેતા. રાજકારણમાં આવનારા લોકો મોટાભાગે વકીલ, ડોક્ટર કે શિક્ષક હતા, જેમની પાસે બીજો વ્યવસાય હતો.
પછી ધીમે ધીમે આપણે "સ્ટાર સિસ્ટમ" ઊભી કરી. આપણે ફિલ્મ જોવા માટે 1000 રૂપિયાની ટિકિટ ખરીદી. આપણે IPL ની જર્સી ખરીદી. આપણે નેતાના પ્રચાર માટે ચંદો આપ્યો. આપણા જ પૈસા ભેગા થઈને 100 કરોડનું પેકેજ બન્યું. આપણે જ લૂંટાયા અને તેઓ ખુશીથી લૂંટતા રહ્યા.
હો-ચી-મિંહનો સવાલ અને આપણો જવાબ
વિયેતનામના રાષ્ટ્રપતિ હો-ચી-મિંહ ભારત આવ્યા ત્યારે તેમણે ભારતીય મંત્રીઓને પૂછ્યું, "તમારો વ્યવસાય શું છે?" મંત્રીઓએ કહ્યું, "રાજનીતિ." હો-ચી-મિંહ ચોંકી ગયા. તેમણે કહ્યું, "હું સવાર-સાંજ ખેતી કરું છું, તે મારો વ્યવસાય છે. દિવસે હું રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવું છું."
આજે ભારતમાં કરોડો લોકોની "આજીવિકા" માત્ર રાજનીતિ છે. કોઈ ઉત્પાદન નહીં, કોઈ સેવા નહીં, માત્ર ખુરશી. જ્યારે વ્યવસાય જ ખુરશી મેળવવાનો થઈ જાય, ત્યારે ભ્રષ્ટાચાર વ્યવસાયનું હથિયાર બની જાય છે.
કોરોનાએ બતાવેલો આયનો
યાદ કરો કોરોનાનો સમય. આખું યુરોપ ભરડામાં હતું. પોર્ટુગલના એક ડોક્ટરે કંટાળીને કહ્યું હતું, "તમે બધા રોનાલ્ડો પાસે જાઓ. તમે તેને કરોડો ડોલર આપો છો. તે તમને બચાવશે. અમારી પાસે 100 ડોલરની ફી આપીને જિંદગીની અપેક્ષા કેમ રાખો છો?"
ભારતમાં પણ એવું જ થયું. લોકો અભિનેતાઓ પાસે મદદ માંગવા લાગ્યા. પણ હોસ્પિટલમાં, લેબમાં, રસ્તા પર કોણ ઊભું હતું? ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઈ કામદાર. જેને આપણે મહિને 30-40 હજાર આપીએ છીએ. 100 કરોડવાળા સ્ટાર્સ મોટાભાગે વિદેશ ભાગી ગયા હતા કે ઘરમાં પુરાઈ ગયા હતા.
રાષ્ટ્રની અધોગતિનું ગણિત
જે દેશના યુવાનોના આદર્શ વૈજ્ઞાનિક, સંશોધક, શિક્ષક, ખેડૂત નથી હોતા, પણ માત્ર અભિનેતા, ક્રિકેટર અને નેતા હોય છે, તે દેશની પ્રગતિ અશક્ય છે. કેમ?
1. આર્થિક દ્રષ્ટિએ: સિનેમા અને ક્રિકેટ GDP માં 1% થી ઓછો ફાળો આપે છે. પણ યુવાનોનો 80% સમય અને પૈસા તેમાં વપરાય છે. જે દેશનું ધ્યાન ઉત્પાદનને બદલે મનોરંજન પર હોય તે ગરીબ જ રહે.
2. સામાજિક દ્રષ્ટિએ: જ્યારે અનાવશ્યક ક્ષેત્રનું વર્ચસ્વ વધે ત્યારે પ્રમાણિક લોકો હાંસિયામાં ધકેલાઈ જાય. શિક્ષકનો પગાર ન વધે, પણ આઈટમ સોંગ કરનારીના રેટ વધે. સમાજના મૂલ્યો ઊંધા થઈ જાય.
3. રણનીતિક દ્રષ્ટિએ: જે દેશના નાગરિકો રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ ભૂલી જાય, તે દેશને દુશ્મનોએ લડવાની જરૂર નથી. તે આંતરિક રીતે જ ખોખલો થઈ જાય છે.
તો ઉપાય શું?
ઉપાય ક્રાંતિ નથી, ઉપાય છે "બોયકોટ". શાંત, અહિંસક, આર્થિક બોયકોટ.
1. માથેથી ઉતારો: જે વ્યક્તિ ડ્રગ્સ કેસમાં પકડાય, જે નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાય, જે ક્રિકેટર ફિક્સિંગ કરે, તેને હીરો બનાવવાનું બંધ કરો. તેની ફિલ્મ ન જુઓ, તેની જાહેરાતવાળી પ્રોડક્ટ ન ખરીદો.
2. જમીન પર પછાડો: સોશિયલ મીડિયા પર આંધળી ભક્તિ બંધ કરો. સવાલ પૂછો. "તમારી એક ફિલ્મની ફી દેશના 1000 વૈજ્ઞાનિકોના વાર્ષિક બજેટ બરાબર છે, તમે દેશ માટે શું કર્યું?" આ સવાલ પૂછવાની હિંમત કેળવો.
3. નવા આદર્શ ઘડો: તમારા ઘરમાં દિવાલ પર વિરાટ કોહલીની સાથે ડૉ. એપીજે અબ્દુલ કલામનો ફોટો પણ લગાવો. બાળકને કહો કે રોહિત શર્મા જેટલા જ હીરો ડૉ. સૌમ્યા સ્વામિનાથન છે જેમણે કોરોના વેક્સિન બનાવી.
અંતિમ વાત: બધા ખરાબ નથી
એ સ્પષ્ટતા જરૂરી છે કે દરેક અભિનેતા ડ્રગિસ્ટ નથી, દરેક નેતા ભ્રષ્ટ નથી, દરેક ક્રિકેટર ફિક્સર નથી. સોનુ સૂદ જેવા અભિનેતા, એમએસ ધોની જેવા ખેલાડી, અટલ બિહારી વાજપેયી જેવા નેતા પણ છે. તેઓ સન્માનને પાત્ર છે. સવાલ વ્યક્તિનો નથી, સવાલ વ્યવસ્થાનો છે.
સવાલ એ છે કે આપણે પ્રતિભાશાળી, ઈમાનદાર, કર્તવ્યનિષ્ઠ, દેશ માટે મરી ફીટનારા લોકોને આદર્શ બનાવીશું કે નાચવા-ગાવાવાળા, ડ્રગ લેતા, ગુંડાગીરી કરતા લોકોને?
જો આપણે આજે નહીં જાગીએ, તો કાલે આપણા બાળકો પૂછશે, "પપ્પા, ચંદ્રયાન બનાવનારા કાકા ક્યાં રહે છે? ટીવી પર કેમ નથી આવતા?" અને આપણી પાસે જવાબ નહીં હોય.
કારણ કે આપણે જ તેમને ટીવી પર આવવા જેટલા "કિંમતી" ન માન્યા. આપણે જ 100 કરોડની ટિકિટ બીજે ક્યાંક વેડફી નાખી.
દેશની અધોગતિ કે ઉન્નતિ, પસંદગી આપણા હાથમાં છે. રિમોટ આપણા હાથમાં છે. ચેનલ બદલવાની હિંમત છે?
Sajjadali Nayani ✍
Friday World 30 Jun 2026