-Friday World September 11,2026
અમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ આ વિકાસની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? આજનો દિવસ અમદાવાદના ઉત્તર વિસ્તાર માટે કાળો દિવસ બની ગયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે આજે સવારે સરસપુર, રખિયાલ અને પોટલીયા વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી.
ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના 700 મીટરના પટ્ટામાં રોડને 30.50 મીટર પહોળો કરવાની કામગીરી માટે કુલ 83 જેટલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે જ ટીમ પહોંચી ગઈ અને જોતજોતામાં વર્ષો જૂના ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા.
70 વર્ષથી રહીએ છીએ, હવે ક્યાં જઈએ?
આ કાર્યવાહીમાં સૌથી વધુ માર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર પડ્યો છે. અસરગ્રસ્ત કિશનભાઈ ઠાકોરે રડતા અવાજે કહ્યું, "સવારથી અમે કંઈ ખાધું નથી. સવારે જ બુલડોઝર લઈને આવી ગયા. અમારો બધો સામાન અંદર જ રહી ગયો, કાઢવાનો સમય પણ ન મળ્યો. નાના છોકરાઓની સ્કૂલ ચાલુ છે, હવે તેઓ ક્યાં જશે? અમારી પાસે ઘર જ નથી રહ્યું."
હિતેશભાઈનું દર્દ પણ એવું જ છે. તેમણે કહ્યું, "મારો જન્મ અહીં જ થયો છે. મારો પરિવાર છેલ્લા 70 વર્ષથી અહીં રહે છે. અમારી પાસે લાઈટ બિલ, પાણીનું બિલ, તમામ ડોક્યુમેન્ટ છે, છતાં અમારું ઘર તોડી નાખ્યું."
બાબુભાઈ ઠાકોરે જણાવ્યું કે તેમનું ઘર પણ 70 વર્ષ જૂનું હતું. "કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી નથી. સામાન કાઢવાનો સમય ન મળ્યો. જે થોડો સામાન બચ્યો તેને અમે એક કારખાનામાં મૂક્યો છે, ત્યાં 8-10 પરિવારનો સામાન પડ્યો છે."
માતાઓના આંસુ અને બાળકોનું ભવિષ્ય અંધકારમાં
આ દ્રશ્ય સૌથી વધુ હૃદયદ્રાવક હતું. હંસાબેન ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યા, "80 વર્ષથી અમારું ફેમિલી અહીં રહે છે. આજે અમારા સપનાનું ઘર તોડી નાખ્યું. નાના બાળકો બેઘર થઈ ગયા. અમે છૂટક મજૂરી કરીને ઘર ચલાવતા હતા, હવે સડક પર આવી ગયા છીએ."
નિમિષાબેને કહ્યું, "અમે બેઘર થઈ ગયા, ફૂટપાથ પર આવી ગયા છીએ. રાત્રે શું થશે? ખાવા માટે પણ કશું નથી. નોટિસ આપી હતી પણ આજે જ તોડી પાડશે એવી ખબર નહોતી."
હાલ તાપમાં સેંકડો લોકો રસ્તા પર પોતાના વાસણો અને કપડાં સાથે બેઠા છે. બાળકોના ભણતર પર સીધી અસર પડી છે.
બીજી તરફ AMC ના અધિકારીઓનું કહેવું છે કે આ તમામ 83 બાંધકામો રોડ લાઈનમાં આવતા બિન-રહેણાંક પ્રકારના હતા અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
પણ સવાલ એ છે કે વિકાસની સાથે માનવતા ક્યાં ગઈ? શું રોડ પહોળા કરતા પહેલા આ પરિવારોને પુનર્વસન કે સમય આપવો જરૂરી નહોતો?
Sajjadali Nayani ✍
Friday World September 11,2026
#AhmedabadDemolition #AMCAction #SarsapurRakhial #BulldozerAction #GujaratNews #AhmedabadNews #RoadWidening #HomelessFamilies #AhmedabadDevelopment #BreakingNews