ચૂંટણી પંચે મતદાર યાદીમાં હેરાફેરી કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે, તેમાં ચૂંટણી પંચ સામેલ છે. કોંગ્રેસ કાયદાકીય અને રાજકીય રીતે તેનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહી છે. એક જ ઓળખની સંખ્યા ધરાવતા અનેક મતદારો પર ચૂંટણી પંચ ચુપ રહેતા કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. નેતાઓનું કહેવું છે કે, આ બાબત લોકશાહી માટે ખતરો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે, અમે આ મુદ્દાએ છોડીશું નહીં. કોંગ્રેસમાં નિષ્ણાતોના એક ગ્રૂપ EAGLEએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે.
કોંગ્રેસના ઈગલ ગ્રૂપે EC પર કર્યો ગંભીર આક્ષેપ
ઈગલ ગ્રૂપ એ કોંગ્રેસના નેતાઓ અને નિષ્ણાતોનું વિશેષાધિકૃત કાર્યકારી ગ્રૂપ છે. આ ગ્રૂપમાં અજય માકન, દિગ્વિજય સિંહ, અભિષેક મનુ સિંઘવી, પવન ખેડા, ગુરદીપ સિંહ સપ્પલ, નિતિન રાઉત અને વામશી ચંદ રેડ્ડી સામેલ છે. ગ્રૂપે આક્ષેપ કર્યો છે કે, મતદાર યાદીમાં હેરફેર કરવામાં ચૂંટણી પંચ સામેલ છે. ગ્રૂપે દાવો કર્યો છે કે, આ મુદ્દે કેટલીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈગલ ગ્રૂપે કહ્યું કે, એક જ મતદારના ઓળખ પત્રની સંખ્યાનો ઉપયોગ અનેક મતદારો માટે કરાઈ રહ્યો છે, ભલે તે એક જ રાજ્યના એક જ મતદાન ક્ષેત્રના હોય કે પછી અન્ય રાજ્યોના... આ બાબત ચોંકાવનારી છે.’
એક જ વોટર ID નંબરનો અનેક મતદારો કરી રહ્યા છે ઉપયોગ : ઈગલ ગ્રૂપ
મતદાર યાદીની હેરાફેરીમાં ચૂંટણી પંચ સામેલ હોવાનો ઈગલ ગ્રૂપે આક્ષેપ કર્યો છે. ગ્રૂપે કહ્યું કે, ‘એક જ મતદાર આઈડી નંબરનો અનેક મતદારો ઉપયોગ કરી રહ્યા છે. ભલે તેઓ એક જ રાજ્ય હોય કે પછી એક જ ક્ષેત્રના કે પછી જુદા જુદા રાજ્યોના... આ ચોંકાવનારી વાત છે. તમામ ભારતીય મતદારો માટે એક વોટર આઈડી કાર્ડ હોવી જરૂરી છે, જે યોગ્ય મતદાર યાદીનો આધાર છે. અમે આવી ઘટના કોઈપણ ચૂંટણી લોકશાહીમાં સાંભળી નથી.’
મમતાએ પણ વોટર આઈડીનો મુદ્દો ઉઠાવ્યો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં બે રાજ્યોમાં એક સરખા વોટર આઈડી નંબરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની મદદથી તેમણે ચૂંટણી પંચ પર ભાજપ માટે નકલી મતદારો બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. મમતા બેનર્જીએ EPIC નંબરોમાં ડુપ્લિકેશનનો ઉલ્લેખ કરીને ભાજપ પર ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મારી પાસે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાંથી પુરાવા છે.' પશ્ચિમ બંગાળના રહેવાસીઓ સાથે હરિયાણા અને ગુજરાતના લોકોના નામ એક જ EPIC નંબર હેઠળ જોવા મળી રહ્યો છે. નકલી મતદારોને ઓનલાઈન ઉમેરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે મમતાને આપ્યો હતો જવાબ
મમતાના આક્ષેપ બાદ ચૂંટણી પંચે વળતો જવાબ આપ્યો હતો. ECએ કહ્યું હતું કે, 'કેટલાક મતદારો પાસે સમાન મતદાર ફોટો ઓળખ કાર્ડ (EPIC) નંબર હોઈ શકે છે, પરંતુ તેમની વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથકની માહિતી અલગ હશે.' એક જેવા EPIC નંબર હોવા છતાં કોઈપણ મતદાર ફક્ત તેમના સંબંધિત મતવિસ્તારમાં નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે, જ્યાં તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય. આ સિવાય તે બીજે ક્યાંય મતદાન કરી શકશે નહીં.
ECનો એક યૂનિક EPIC નંબર ફાળવવાનો નિર્ણય
વિવાદ બાદ ચૂંટણી પંચે એક નવી પહેલ કરતા મતદારોને એક યૂનિક EPIC નંબર ફાળવવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચનું કહેવું છે કે કેટલાક મતદારોને EPIC નંબર સમાન હોય શકે છે પરંતુ સમાન EPIC નંબરવાળા મતદારો માટે જનસંખ્યાનું વર્ણન, વિધાનસભાનું ક્ષેત્ર અને મતદાન કેન્દ્ર સહિત અન્ય વર્ણન અલગ અલગ છે. ચૂંટણીપંચે મતદાર યાદીમાં હેરાફેરીના આરોપોને નિરાધાર ગણાવીને કહ્યું કે ડુપ્લીકેટ મતદાતા ઓળખપત્ર નંબર હોવાનો મતલબ એ નથી કે મતદાર ડુપ્લીકેટ છે. પંચનું આ સ્પષ્ટીકરણ વિવિધ સોશ્યલ મીડિયા પોસ્ટના જવાબમાં રવિવારે અપાયો છે. ચૂંટણીપંચે કહ્યું છે કે કોઇપણ શંકાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શંકા દૂર કરવા માટે નોંધાયેલા મતદારોને યૂનીક EPIC નંબર ફાળવવાનો નિર્ણય પણ કરાયો છે.