એશિયા કપ 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત સામે ગયા રવિવારે લીગ મુકાબલામાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના કરતાં વધુ નામોશી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ 'હેન્ડશેક'ના મુદ્દે ઉભી કરેલા વિવાદને કારણે થઈ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ હવે 21 સપ્ટેમ્બર, રવિવારે ભારત સામેની સુપર-ફોર મેચ માટે એન્ડી પાયક્રોફ્ટને જ મેચ-રેફરી તરીકે નિયુક્ત કરીને પીસીબીને વધુ એક આઘાત આપ્યો છે. પીસીબીએ આઈસીસીને વિનંતી કરી હતી કે પાયક્રોફ્ટને તેમની કોઈપણ મેચમાં રેફરી તરીકે ન રાખવામાં આવે, નહીં તો એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
જોકે, આઈસીસીએ આ વિનંતીને નકારી કાઢી અને પાયક્રોફ્ટની નિમણૂક કરીને પીસીબીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ક્રિકેટમાં તેની સર્વોચ્ચતા કાયમ છે. ટુર્નામેન્ટના એક સૂત્રએ જણાવ્યું, "રવિવારની ભારત-પાકિસ્તાન મેચ માટે એન્ડી પાયક્રોફ્ટને મેચ-રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે." આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન રિચી રિચર્ડસન પણ મેચ-રેફરી પેનલમાં સામેલ છે, પરંતુ આઈસીસીએ આ મહત્વની મેચ માટે પાયક્રોફ્ટને જ પસંદ કર્યા. ગયા રવિવારે ટોસ દરમિયાન પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને ભારતના સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવાની સૂચના આપી હતી, જે પાકિસ્તાનને અપમાનજનક લાગ્યું. આના પગલે પીસીબીએ પાયક્રોફ્ટ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જોકે, એક અહેવાલ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ઉચ્ચ અધિકારીએ પાયક્રોફ્ટને મેચની ચાર મિનિટ પહેલાં જાણ કરી હતી કે, બીસીસીઆઈએ ભારત સરકારની મંજૂરીથી એસીસીને સૂચના આપી છે કે ટોસ દરમિયાન બંને કેપ્ટન હાથ ન મિલાવે. આથી, પાયક્રોફ્ટે આચારસંહિતાનો ભંગ કર્યો ન હતો, પરંતુ આઈસીસીના સંદેશવાહક તરીકે જ કામ કર્યું હતું.