સુરત: શિક્ષક એટલે સમાજનો દીવો, પણ સુરતના કતારગામ વિસ્તારમાં ચાલતા “પોઝિટિવ ટ્યુશન ક્લાસીસ”ના માલિક ભાવેશ સૂર્યકાંતભાઈ પટેલે શિક્ષકના પવિત્ર પોશાક પહેરીને એક યુવતીનું જીવન નર્ક બનાવી દીધું હતું. આ શિક્ષકની એકતરફી મોહબ્બત એટલી ખૂની બની કે તેણે પોતાની જ 2021માં ધોરણ-12 સુધી ભણાવેલી વિદ્યાર્થિનીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યા, વર્ચ્યુઅલ નંબરથી ધમકીભર્યા મેસેજ મોકલ્યા અને અંતે તો વૉટ્સએપ ગ્રુપ બનાવી તેના પિતા, ભાઈ અને નજીકના સગાંઓને એડ કરીને યુવતીના ચહેરાને મોર્ફ કરી બનાવેલા અત્યંત અશ્લીલ ફોટા શેર કરી દીધા. “બહુ મજા આવે છે રમત રમવાની બેન… હજુ તો વધુ મજા લેવાની છે…” –
ભાવેશ પટેલે લખેલો એક મેસેજ આ ઘટનાએ યુવતી અને તેના પરિવારને એટલો માનસિક આઘાત પહોંચાડ્યો કે યુવતીએ નોકરી સુદ્ધાં છોડી દીધી હતી. ભાવેશે યુવતીને નોકરી છોડવા માટે પણ દબાણ કર્યું હતું.
2023માં જ્યારે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી ગંદા મેસેજ જવા લાગ્યા ત્યારે યુવતીના પરિવારે સિંગાપુર પોલીસમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ ભાવેશ રોકાયો નહીં. અંતે યુવતીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
સાયબર ક્રાઇમના ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે ભાવેશ પટેલને ઝડપી પાડ્યો. તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનો કબજે કરવામાં આવ્યા છે.
આરોપી ભાવેશ સામે IPC 507 (ગુપ્ત ધમકી), 509 (મહિલાની શિષ્ટતા ભંગ), IT એક્ટની કલમ 66C, 66D, 67, 67A તેમજ POCSO એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાઈ ગયો છે.
આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણ જગતમાં કામ કરતા લોકોની પૃષ્ઠભૂમિ તપાસવા અને મહિલાઓની ડિજિટલ સુરક્ષા માટે વધુ કડક કાયદાઓની જરૂરિયાત ઉભી કરી છે.
✒️सज्जाद अली नायाणी