અમદાવાદ: નારા તો ખૂબ ગુંજ્યા – “બેટી બચાવો, બેટી પઢાઓ!” પરંતુ જ્યારે ગુજરાતની બેટીઓની વાત આવી ત્યારે કેન્દ્ર સરકારે ખિસ્સું બંધ રાખ્યું. વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં ગુજરાતને આ અતિ મહત્ત્વની યોજના માટે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. એટલું જ નહીં, શક્તિ સદન, સખી નિવાસ, પાલના અને હબ્બા જેવી મહિલા-સુરક્ષા તથા બાળ કલ્યાણની યોજનાઓ માટે પણ ગુજરાતને શૂન્ય રૂપિયા મળ્યા છે. આ આંકડા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જ લોકસભામાં રજૂ કર્યા છે. એટલે આરોપ નહીં, સત્તાવાર સ્વીકાર છે!
ગુજરાતમાં હજુ પણ દીકરીઓનો જન્મદર ચિંતાજનક છે. 2020-21ના આંકડા પ્રમાણે દર 1000 દીકરાઓએ 915 દીકરીઓ જ નોંધાઈ હતી. આ અસંતુલન દૂર કરવા રાજ્ય સરકાર દિવસ-રાત મહેનત કરી રહી છે, પરંતુ કેન્દ્રનો સહયોગ શૂન્ય! આ વર્ષે કેન્દ્રએ ગુજરાતને ફક્ત “સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0” યોજના હેઠળ ₹601 કરોડ આપ્યા છે – એ પણ મોટા ભાગે આંગણવાડી કામદારોના પગાર અને પાછળ જ ખર્ચાઈ જશે. બાકીની તમામ મહિલા-કેન્દ્રિત યોજનાઓ માટે ગુજરાતનો હિસ્સો: શૂન્ય!
પ્રશ્ન એ છે કે,જે સરકાર દેશભરમાં “બેટી બચાવો”ના હોર્ડિંગ લગાવે છે, તે જ સરકાર ગુજરાતની દીકરીઓને ભૂલી કેમ ગઈ? શું ગુજરાતને સજા આપવાનો આ નવો રાજકીય હથિયાર છે? જો કેન્દ્ર આવી ઉદાસીનતા ચાલુ રાખશે તો “બેટી બચાવો-બેટી પઢાઓ” ફક્ત ચૂંટણીનો જુમલો બનીને રહી જશે અને ગુજરાતની દીકરીઓનું ભવિષ્ય અંધકારમય થશે.
ગુજરાતની બેટીઓ હવે પોતાનો અવાજ બુલંદ કરવાનો સમય આવી ગયો છે!