Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 23 December 2025

નડિયાદમાં મેગા ડિમોલિશન: 47 વર્ષ જૂના સરદાર ભુવન પર ચાલ્યા 9 JCB, ઇમારતનો અંત – વેપારીઓમાં રોષ, શહેરના વિકાસની આશા!

નડિયાદમાં મેગા ડિમોલિશન: 47 વર્ષ જૂના સરદાર ભુવન પર ચાલ્યા 9 JCB, ઇમારતનો અંત – વેપારીઓમાં રોષ, શહેરના વિકાસની આશા!
નડિયાદના વિકાસનું નવું પ્રકરણ શરૂ! નડિયાદ, 23 ડિસેમ્બર 2025: શહેરના હૃદયમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેનું 47 વર્ષ જૂનું સરદાર ભુવન આજે ઇતિહાસ બની ગયું! ગુજરાત હાઈકોર્ટની મંજૂરી બાદ નડિયાદ મહાનગરપાલિકાએ અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું. 9 JCB મશીનોના ગર્જના અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જર્જરિત કોમ્પ્લેક્સને જમીનદોસ્ત કરવામાં આવ્યું. 

1978માં નગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલા આ ભુવનમાં 48 દુકાનો હતી, જે વર્ષોથી જર્જરિત અને જોખમી બની ગઈ હતી. વરસાદી પાણીની નિકાલમાં અડચણરૂપ બનતા શહેરમાં વારંવાર પાણી ભરાતા હતા. આજે આ ઇમારતના અંત સાથે નડિયાદને જળબંબાકારથી મુક્તિ મળવાની આશા જાગી છે. 

કામગીરી દરમિયાન રોમાંચક ઘટના બની – બપોરે ઉપરના માળની દુકાનો તોડતા કાટમાળનો ધડાધડ વરસાધ થયો, જેના કારણે એક વીજ પોલ ધરાશાયી થયો! સદનસીબે વીજલાઇન બંધ હોવાથી મોટી અનર્થ ટળ્યો. આ કાર્યવાહીથી મુખ્ય બજારમાં ટ્રાફિક જામ અને જનજીવન અસ્તવ્યસ્ત થયું. 

પરંતુ આ ડિમોલિશનથી વેપારીઓમાં રોષ અને દુ:ખની લાગણી વ્યાપી છે. વેપારી મુકેશ કુમારે આંસુ સાથે કહ્યું, "મારી દુકાન ભુવનની બહાર છે, મારી માલિકીની છે. 40 વર્ષ જૂના કાગળો અને રસીદો છે, પણ મનપાએ ખોટી નોટિસો આપીને તોડી પાડી. આ તો ખુલ્લો અન્યાય છે!" અન્ય વેપારીઓ પણ ભાવુક થયા, કારણ કે આ દુકાનો તેમના પરિવારનો આધાર હતી. 

હવે સૌની નજર આ ખાલી જગ્યા પર છે ખાસ કરીને બિલ્ડર લોબી ની-શું અહીં આધુનિક પાર્કિંગ, ગાર્ડન કે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે? મહાનગરપાલિકા સૂત્રો કહે છે કે આ જગ્યા શહેરના આધુનિકીકરણ અને જાહેર હિત માટે વપરાશે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદનું આ પ્રથમ મોટું પગલું વિકાસનું પ્રતીક બનશે? આ ઘટનાએ શહેરવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જગાવી 

– એક તરફ જોખમી ઇમારતથી મુક્તિની ખુશી, તો બીજી તરફ વેપારીઓના નુકસાનનું દુ:ખ. નડિયાદનું ભવિષ્ય હવે વધુ ઉજ્જવળ દેખાય છે!

 સજ્જાદ અલી નાયાણી✍🏼