રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં નિર્ભયા જેવી ક્રૂર ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે. માત્ર 6 વર્ષ અને 8 મહિનાની નિર્દોષ બાળકી પર હવસનો શિકાર બનાવનાર નરાધમ આરોપી રામસિંગ તેરસિંગ ડડવેજર (ઉં.35, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો, ત્રણ સંતાનનો પિતા) પર પોલીસે સ્વરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું. આરોપીછે ભાગવાનો પ્રયાસ કરતાં અને ધારિયાથી પોલીસ પર હુમલો કરતાં તેને બંને પગમાં ગોળી વાગી છે. હાલ તે અને ઈજાગ્રસ્ત પોલીસ જવાન KDP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઘટના 4 ડિસેમ્બરની: ક્રૂરતાની હદ વટાવી! મૂળ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરતો હતો. ત્યારે હસતી-રમતી બાળકી પર આરોપીની હવસભરી નજર પડી. તેણે બાળકીને ઉપાડીને નિર્જન સ્થળે લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બાળકીએ બૂમાબૂમ કરતાં મોઢું દબાવી દીધું અને ક્રૂરતા વટાવતાં ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી ગંભીર ઈજા પહોંચાડી. લોહીલુહાણ હાલતમાં બાળકીને છોડીને નરાધમ ફરાર થઈ ગયો. પરિવારે તેને શોધીને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરી. હાલ બાળકીની તબિયત સુધારા પર છે.
ઝડપી તપાસ: 9 ડિસેમ્બરે ધરપકડ, બાળકીએ ઓળખી બતાવ્યો રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક 10 ટીમો બનાવી તપાસ હાથ ધરી. 100થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી, CCTV ચકાસ્યા અને ચાઈલ્ડ એક્સપર્ટ તથા ડોક્ટરોની હાજરીમાં બાળકી સમક્ષ 10 લોકોને રજૂ કર્યા. બાળકીએ આરોપી રામસિંગને ઓળખી બતાવતાં તેની ધરપકડ કરી. આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.
એન્કાઉન્ટર: ધારિયાથી હુમલો, પોલીસે સ્વરક્ષણમાં ફાયરિંગ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા બાદ ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો. ત્યાં આરોપીએ ઘરમાંથી ધારિયું ઉપાડી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. LCBના જવાન ધર્મેશ બાવળીયાને ડાબા હાથે ઈજા થઈ. સ્વરક્ષણમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીને બંને પગમાં ગોળી વાગી. એન્કાઉન્ટર બાદ આરોપી ફફડી ઉઠ્યો અને કહ્યું, "મારી ભૂલ થઈ, હવે ગુજરાતમાં ક્યારેય નહીં આવું!"
ઝડપી ન્યાય માટે સૂચના: 10 દિવસમાં ચાર્જશીટ નાયબ મુખ્યમંત્રીએ આટકોટ પોલીસને ફાંસી કે આજીવન કેદની સજા થાય તેવા પ્રયાસ કરવા અને માત્ર 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ આપ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ હુમલાનો અલગ ગુનો પણ નોંધ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર બાળકીઓની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે. નરાધમને કડકમાં કડક સજા મળે તેવી લોકમાંગ છે. પીડિત બાળકી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના!
સજ્જાદ અલી નાયાણી✍