ગુજરાતમાં સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ! ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશવ્યાપી ₹719 કરોડથી વધુની છેતરપિંડીના આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારી વાત એ છે કે બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના અધિકારીઓની મિલીભગત સામે આવી છે. ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર
ભૂમિકા જગદીશભાઇ લશ્કરી (ઉં.વ. 32), તેમના પતિ સાહિલ સાધ (ઉં.વ. 34), અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ તપાસમાં બેંકના અન્ય કર્મચારીઓ સહિત વધુ આરોપીઓ પકડાયા છે.
મ્યુલ એકાઉન્ટથી ક્રિપ્ટો સુધીની ચેઇન ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)ના ઇનપુટ પર તપાસમાં ખુલ્યું કે આરોપીઓ ભાવનગર બ્રાન્ચમાં 110થી વધુ
મ્યુલ એકાઉન્ટ (ઠગાઈ માટે વપરાતા ખાતા) ખોલાવતા હતા. દેશભરમાંથી છેતરપિંડીના પૈસા આ ખાતામાં જમા થતા, પછી ચેક કે ઓનલાઇન ટ્રાન્સફરથી ઉપાડીને રોકડમાં ફેરવાતા. આ રોકડને આંગડિયા પેડી મારફતે અથવા
USDT ક્રિપ્ટોકરન્સી માં કન્વર્ટ કરીને દુબઈ અને ચીનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ્સને મોકલવામાં આવતી. તપાસમાં 30થી વધુ ક્રિપ્ટો વોલેટ એડ્રેસ મળી આવ્યા છે.
દેશભરમાં હજારો પીડિતો આ એક જ નેટવર્કથી 1,447થી વધુ સાયબર ફ્રોડના કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર (300), તમિલનાડુ (203), કર્ણાટક (194), તેલંગાણા (128), ગુજરાત (97) સહિત અનેક રાજ્યોના હજારો લોકો છેતરાયા છે. આમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, UPI ફ્રોડ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે.
બેંક મેનેજરને 1% કમિશન! તપાસમાં સામે આવ્યું કે ભૂમિકા લશ્કરી જાણતા હતા કે ખાતામાં ફ્રોડના પૈસા આવે છે, તેમ છતાં તેમણે મ્યુલ એકાઉન્ટ ખોલવામાં અને ટ્રાન્ઝેક્શનમાં મદદ કરી. બદલામાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 1% કમિશન મળતું હતું. તેમના પતિ સાહિલ સાધ મિડિયેટરની ભૂમિકા ભજવતા હતા.
આ કેસ સાયબર ક્રાઇમની વધતી જોખમી તર્કસંગતતા દર્શાવે છે, જ્યાં બેંક અંદરના લોકોની મદદથી આંતરરાષ્ટ્રીય ગુનેગારો સરળતાથી પૈસા લૂંટી શકે છે. પોલીસ તપાસ ચાલુ છે અને વધુ ધરપકડની શક્યતા છે.
સજજાદ અલી નાયાણી ✍🏼