સજ્જાદ અલી નાયાણી✍🏼ફ્રાઈડે વર્લ્ડ 28/12/2025
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ભાજપના સાંસદ **મનસુખ વસાવા** અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય **ચૈતર વસાવા** વચ્ચેનો શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આખી વાતનું મૂળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોના ખર્ચ અને હિસાબમાં છે.
મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કર્યો કે, **ચૈતર વસાવાએ** માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી કાર્યક્રમના હિસાબના બહાને **75 લાખ રૂપિયા**ની માંગણી કરી હતી. તેમણે દાવો કર્યો કે આ વાત જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાની સામે અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કહી હતી.
શરૂઆતમાં ચૈતર વસાવા કલેક્ટર કચેરી પહોંચ્યા અને પૂછ્યું તો કલેક્ટરે આ વાતને **સંપૂર્ણ ખોટી** ગણાવી. પરંતુ 26 ડિસેમ્બરે મનસુખ વસાવા અને નીલ રાવ સાથે કલેક્ટરને મળ્યા ત્યારે વાત પલટી ગઈ! કલેક્ટરે ઓન કેમેરા સ્વીકાર્યું કે,
"હેલિપેડ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયર મારફતે ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હતી. આ વાત મને માનનીય સાંસદ સાથે થઈ હતી અને તપાસના આદેશ પણ આપ્યા છે."
આ યુ-ટર્નથી મનસુખ વસાવા રોષે ભરાયા અને પાર્ટી છોડવાની ધમકી સુધી આપી દીધી. તેમણે કલેક્ટરને બે મોઢે' વાત કરવાનો આરોપ લગાવ્યો અને 7 દિવસમાં સ્પષ્ટતા માંગી.
બીજી તરફ ચૈતર વસાવા -એ પલટવાર કર્યો કે,
"મનસુખ વસાવા બોખલાઈ ગયા છે. ભાજપના ઉચ્ચ અધિકારીઓ અને EDની ધમકીથી કલેક્ટરે નિવેદન બદલ્યું છે. અમે કાર્યક્રમના સંપૂર્ણ ખર્ચની CID તપાસ અને રિકવરીની માંગ કરીશું."
આ વિવાદમાં બંને પક્ષો એકબીજા પર ભ્રષ્ટાચાર અને દબાણના આરોપ લગાવી રહ્યા છે. એક તરફ ભાજપના સાંસદ પાર્ટી અને વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવે છે, તો બીજી તરફ AAPના ધારાસભ્ય સરકારી ખર્ચ અને આદિવાસી વિકાસના ફંડ પર પ્રશ્નો ઉઠાવે છે.
આદિવાસી બહુમતીવાળા આ વિસ્તારમાં આ ઘમસાણ રાજકીય સમીકરણોને કેવી અસર કરશે? તપાસ અને સત્ય સામે આવે ત્યારે જ સ્પષ્ટ થશે. હાલ તો નર્મદા જિલ્લો રાજકીય ગરમાવાનું કેન્દ્ર બની ગયો છે!
સજ્જાદ અલી નાયાણી✍🏼
ફ્રાઈડે વર્લ્ડ 28/12/2025