અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પશ્ચિમી દેશોએ રશિયન તેલની આયાત પર કડક પ્રતિબંધોની ધમકીઓ આપી હતી, પરંતુ ભારતે તેની પરવા કર્યા વગર નવેમ્બર 2025માં રશિયન ક્રૂડ ઓઈલની આયાત 4 ટકા વધારીને 2.6 અબજ યુરો (લગભગ $3 અબજ) સુધી પહોંચાડી દીધી. આ આંકડો છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઊંચો છે. યુરોપિયન થિંકટેંક સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના રિપોર્ટ અનુસાર, ભારત ચીન પછી રશિયાના તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યું છે.
નવેમ્બરમાં રશિયાની કુલ ક્રૂડ નિકાસમાં ચીનનો હિસ્સો 47 ટકા, ભારતનો 38 ટકા, તુર્કીનો 6 ટકા અને યુરોપિયન યુનિયનનો 6 ટકા હતો. ઓક્ટોબરમાં ભારતે 2.5 અબજ યુરોનું રશિયન તેલ ખરીદ્યું હતું, જેમાંથી નવેમ્બરમાં વધારો થયો છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ રશિયન તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઈલ પર પ્રતિબંધો લાગુ કર્યા છે, જેની અસર ડિસેમ્બરથી વધુ દેખાશે.
ભારતની ખાનગી રિફાઈનરીઓ જેમ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આયાતમાં થોડો ઘટાડો કર્યો છે, પરંતુ સરકારી કંપનીઓએ 22 ટકા વધારો કર્યો છે. રિલાયન્સની જામનગર રિફાઈનરીએ રશિયન ક્રૂડને રિફાઈન્ડ કરીને ઓસ્ટ્રેલિયામાં 69 ટકા વધુ નિકાસ કરી છે. નવેમ્બરમાં ભારત અને તુર્કીની રિફાઈનરીઓએ રશિયન ક્રૂડમાંથી બનેલા 80.7 કરોડ યુરોના ઈંધણની નિકાસ કરી, જેમાંથી મોટો હિસ્સો યુરોપ, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા ગયો.
પરંતુ આ સસ્તા રશિયન તેલનો લાભ સામાન્ય જનતાને કેમ નથી મળી રહ્યો? ડિસેમ્બર 2025માં પણ પેટ્રોલનો ભાવ દિલ્હીમાં રૂ. 103.50 અને મુંબઈમાં રૂ. 90.03 (ડીઝલ) આસપાસ સ્થિર છે. છેલ્લા એક વર્ષથી મોટા ફેરફાર વગરના આ ભાવોમાં ઘટાડો નથી થયો, જ્યારે તેલ કંપનીઓ અને રિફાઈનરીઓ મોટો નફો કમાઈ રહી છે. સસ્તું ક્રૂડ આયાત કરીને રિફાઈન્ડ પ્રોડક્ટ્સની નિકાસથી ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે, પરંતુ જનતાના ખિસ્સાને રાહત મળી નથી.
CREAના મતે ડિસેમ્બરમાં પણ આયાત વધી શકે છે, કારણ કે પ્રતિબંધો પહેલાં લોડ થયેલા જહાજો પહોંચી રહ્યા છે. ભારતની આ નીતિ વૈશ્વિક રાજકારણમાં મહત્વની છે – સસ્તું તેલ મેળવીને અર્થતંત્રને મજબૂત બનાવવું, પરંતુ તેનો લાભ તમામ સુધી પહોંચાડવો પણ જરૂરી છે.
સજ્જાદ અલી નાયાણી ✍